<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

અમદાવાદમાં લગ્ને લગ્ને કુંવારો યુવક ઝડપાયો: મેટ્રિમોનિયલ સાઈટ પર કુંવારો બનીને પરણિત યુવતીઓને બનાવતો શિકાર

એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને પણ ફસાવી:મેટ્રિમોનિયલ સાઈટ થકી મહિલા પોલીસ કર્મીને ફસાવીને મંદિરમાં ફૂલહાર કર્યા બાદમાં લગ્ન ન કરીને અવારનવાર સંબંધ બાંધ્યા: આરોપીએ પૈસા પડાવવા ફુલહારનું નાટક કર્યું

અમદાવાદ : શહેરના રામોલમાં મંદિરમાં ફૂલહાર કરી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ શહેરમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને પણ ફસાવી હતી. આરોપીએ મેટ્રિમોનિયલ સાઈટ થકી મહિલા પોલીસ કર્મીને ફસાવીને મંદિરમાં ફૂલહાર કર્યા હતા. બાદમાં લગ્ન ન કરીને અવારનવાર સંબંધ બાંધ્યા હતા. 

  યુવતી સરકારી નોકરી કરતી હોવાથી આરોપીએ પૈસા પડાવવા ફુલહારનું નાટક કર્યું હતું. બાદમાં મહિલા પોલીસકર્મીના નામે લીધેલી છ લાખની લોનના નાણાં, દોઢ લાખની FD તેમજ દાગીના પડાવી લીધા હતા. સાથે જ જાતિ વિષયક શબ્દો બોલી લગ્નનો ઇન્કાર કરતા આખરે મહિલા પોલીસ કર્મીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે આરોપી અને તેના પરિવારજનો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

  ચાંદખેડામાં રહેતી 32 વર્ષીય યુવતી શહેરની એક એજન્સીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ યુવતીના પહેલા લગ્ન વર્ષ 2012માં વાડજમાં રહેતા યુવક સાથે થયા હતા. પરંતુ બંને વચ્ચે મનમેળ ન રહેતા વર્ષ 2013માં છૂટાછેડા લીધા હતા. વર્ષ 2019માં આ યુવતી વાંકાનેરમાં નોકરી કરતી હતી. ત્યારે મેટ્રિમોનિયલ સાઇટ થકી વસ્ત્રાલના હિરેન પંચાલ સાથે તેનો પરિચય થયો હતો. હિરેને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તેના પરિવારજનો સહમત ન થતાં બંનેએ વર્ષ 2020માં વાંકાનેરમાં આવેલા મહાદેવના મંદિરમાં ફૂલહાર કર્યા હતા.

    હિરેને થોડા સમય બાદ લગ્નની નોંધણી કરાવવાનો પણ વાયદો કર્યો હતો. યુવતીની બદલી મોરબી ખાતે થતાં હિરેન તેની સાથે પોલીસ ક્વાર્ટર્સમાં રહેવા પણ ગયો હતો. વર્ષ 2022માં યુવતીની એક એજન્સીમાં બદલી થતાં તે અમદાવાદ ખાતેની ઓફિસે હાજર થયા બાદ હિરેન સાથે ચાંદખેડામાં રહેવા લાગી હતી. જ્યાં હિરેનના માતા-પિતા સહિતના લોકો ઘરે આવ્યા ત્યારે જાતિ વિષયક શબ્દો બોલીને વસ્ત્રાલ ખાતેના ઘરે નિવેદનમાં યુવતીને ન લાવવાનું કહીને અપમાન કર્યું હતું

(11:04 PM IST)