<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

રાજસ્‍થાન ઉપરનું ડિપ્રેશન ડીપડ્રિિશનમાં ફેરવાયુઃ ત્રણ રાજયોમાં અતિ ભારે વરસાદ ખાબકવાની શકયતા

- ગુજરાત, મહારાષ્‍ટ્ર તથા મધ્‍યપ્રદેશ માટે ચેતવણી

નવી દિલ્‍હીઃ હાલ દેશભરમાં ચોમાસું જામ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને અડીને આવેલા પૂર્વ રાજસ્થાન પરનું ડિપ્રેશન એક ઊંડા ડિપ્રેશનમાં તીવ્ર બન્યું છે. જેને લઈને IMD દ્વારા આગામી બે થી ત્રણ દિવસમાં ગુજરાત (Gujarat), મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

IMDના સવારે 2 વાગ્યાના અપડેટ પ્રમાણે, 25 ઓગસ્ટના રોજ રાત્રે 11:30 વાગ્યે ડીપ ડિપ્રેશન રાજસ્થાનના ચિત્તોડગઢથી 70 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં કેન્દ્રિત હતું. આ સિસ્ટમ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, જે દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતને અસર કરશે અને 29 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના ભાગોમાં પહોંચશે.

IMDએ રેડ એલર્ટ જારી કરતા જણાવ્યું કે, આજે પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. પૂર્વ અને દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 26 થી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આજે ગુજરાત નજીકના પાકિસ્તાન, ઉત્તર મહારાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વીય અરબા સાગરમાં 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અપેક્ષા છે, જે 27 અને 28 ઓગસ્ટના રોજ વધીને 60 કિમી પ્રતિ કલાક થઈ જશે. IMDએ 30 ઓગસ્ટ સુધી માછીમારોને અરબ સાગર અને બંગાળની ખાડીમાં, ખાસ કરીને ગુજરાત, પાકિસ્તાન અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસ ન જવાની સલાહ આપવામાં આવી છે.

(1:56 PM IST)