તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Monday, 26th August 2024
વડોદરામાં આજે વરસાદનું રેડ એલર્ટઃ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
વિશ્વામિત્રીની સપાટી ૧૮ ફુટ થી ઉપર પહોંચીઃ આજવામાં ર૧૧ ફૂટ જળ સપાટી

વડોદરાઃ વડોદરા શહેરમાં છેલ્લા પાંચ દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ગઈકાલે આખી રાત વરસેલા સાર્વત્રિક વરસાદ આજે પણ યથાવત જોવા મળ્યો છે. ગઈકાલે વડોદરા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આજ માટે શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઇકાલે રાત્રે પડેલા વરસાદ અને આજે વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થવાથી વડોદરા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
આજે સવારે 10 વાગ્યા સુધીમાં વડોદરા જિલ્લામાં નોંધાયેલા વરસાદ અંગે જાણીએ તો ડેસરમાં 3.3 ઇંચ, પાદરામાં 2.7 ઇંચ, સાવલીમાં 2.3, વડોદરામાં 2, વાઘોડિયામાં 1.2, કરજણમાં 1.2, ડભોઇમાં 1.2 ઇંચ અને સિનોરમાં 3 મિ.મી. વરસાદ નોંધાયો છે.
ગત 24 કલાકમાં વડોદરા જિલ્લામાં પડેલા વરસાદના આંકડા જોઇએ તો કરજણમાં 6.2 ઇંચ, સિનોરમાં 4.4, વડોદરામાં 3.7, પાદરામાં 1.5, ડભોઇમાં 1.5, સાવલીમાં 14 મિ.મી., વાઘોડિયા અને ડેસરમાં 8-8 મિ.મી. વરસાદ વરસ્યો હતો.
વડોદરામાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર શહેર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેરના માંડવી, લહેરીપુરા, રાવપુરા, કારેલીબાગ સહીત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો આ સાથે જ પશ્ચિમ વિસ્તારને જોડતું રેલવે ગરનાળુ પણ વરસાદી પાણીમાં ગરકાવ થતા બંધ થયું છે. રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા વાહન વ્યવહારને ભારે અસર થઇ છે.
ભારે વરસાદના પગલે આજવા સરોવરની જળ સપાટી 211.80 ફૂટે નોંધાઈ છે. જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી 18.25 ફૂટે છે. હવામાન વિભાગે આજે વડોદરામાં રેડ એલર્ટ આપ્યું છે. વડોદરા શહેર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. તમામ અધિકારીયો અને તલાટીઓને ફરજીયાત હેડક્વાર્ટર પર હાજર રહેવા તાકીદ કરાયા છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
