<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ભુપેન્દ્રભાઈએ રાજ્યમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો, મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા તલસ્પર્શી વિગતો મેળવી: નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ:પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવાને અગ્રતા આપવા સૂચના

ગાંધીનગર:ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો, મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભુપેન્દ્રભાઈએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી તલસ્પર્શી વિગતો મેળવી હતી.

સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમ નો એવરેજ ૯૧.૮૮ ટકા વરસાદ થયો છે.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં થયેલા આ વરસાદને પરિણામે નદીઓ જળાશયોમાં આવેલા પાણીની સ્થિતિની પણ વિગતો મેળવી હતી. 

તદઅનુસાર રાજ્યના ૨૦૬ જળાશયોમાંથી ૧૦૦%  ભરાઈ ગયા હોય તેવા ૫૯ જળાશયો છે. ૭૨ જળાશયો હાઈ એલર્ટ પર અને ૨૨ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તથા ૯ માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને ૭ નદીઓ ઓવરફ્લો થઈ છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના ૮૮.૭૪% એટલે કે ૨,૯૬,૪૫૯ MCFT પાણીનો જથ્થો છે. 

મુખ્યમંત્રીશ્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે. 

સમગ્ર રાજ્યમાં ૭૦૦૯ ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી તેમાંથી ૬૯૭૭ ગામોમાં સ્થિતી પૂર્વવત થઈ છે અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે. એટલું જ નહીં ૬૦૯૦ વીજ પોલને થયેલા નુકસાનમાંથી ૫૯૬૧ રીપેર કરી દેવાયા છે. મુખ્યમંત્રીશ્રીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ, માટી, કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી. 

રાજ્યમાં હાલ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં મળીને સમગ્ર તયા ૫૨૩ માર્ગો બંધ છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી. 

હવામાન વિભાગના અધિકારીઓએ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની  આગાહી કરી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી.તદનુસાર મુખ્યમંત્રીશ્રીએ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માં  ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેકટરો ને એલર્ટ રહેવા સૂચના આપી હતી.

ભુપેન્દ્રભાઈએ ખાસ કરીને નવસારી , વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા  અને છોટા ઉદેપુર 

સહિતના વધુ અસર ગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે  કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન  તેમજ નીચાણ વાળા વિસ્તારોના લોકો ના કરવામાં આવેલા સ્થળાંતર ની ઝીણવટ પૂર્વકની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સુચનાઓ આપી હતી. 

તેમણે સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલીટી અભિગમ અપનાવી સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમાર સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો NDRF હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

(4:16 PM IST)