<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના 776 નાગરિકોનું સ્થળાંતરિત કરાયું: સુરક્ષિત સ્થળે ખસેડાયા

ભારે વરસાદના પગલે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં પણ ધરખમ વધારો

નવસારી :સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડેપગે છે અને જાહેર જનતાને કોઇ પણ અગવડ ન પડે તેની તકેદારી સાથે કામગીરી કરી રહ્યું છે. છેલ્લા બે દિવસથી સ્થાનિક અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં પણ ધરખમ વધારો થતા નદીની આસપાસના વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.

આજરોજ ગણદેવી તાલુકાના બિલિમોરા નગર પાલીકા વિસ્તારના કુલ-776 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જહેમત બીલીમોરા નગરપાલિકા સહિત જિલ્લા તંત્રએ ઉઠાવી છે. સ્થળાંતરિત કરેલા નાગરિકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુવા માટે ધાબડા, ચાદર, ગાદલા સહિત ચા-નાસ્તો, ભોજન, સ્વચ્છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમ પણ ગોઠવવામાં આવ્યા છે.

અત્રે નોંધનિય છે કે, ગણદેવી તાલુકાના ઉંડાચ વા.ફ., દેવધા, તોરણગામ, ઉંડાચ લુ.ફ., ભાઠા, બીલીમોરા નગર પાલીકા, તલીયારા, સરીખુર્દ, વાધરેચ, અને ગણદેવી નગરપાલિકાના કુલ-776 સ્થળાંતરિત કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જેમાંથી 195 નાગરિકો હાલ આશ્ર્યસ્થાન ઉપર અને અન્ય નાગરિકો પોતાના સગાસંબંધિ તથા અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ આશ્ર્યસ્થાન ઉપર નાગરિકો માટે અંદાજીત ફુડ પેકેટની વ્યવસ્થા વિવિધ ગ્રામ પંચાયત, જલારામ માનવ સેવા ટ્રસ્ટ-બીલીમોરા, ગણદેવી નગરપાલીકા અને જિલ્લા તંત્રના સંકલનમાં રહીને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી.

(6:41 PM IST)