<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

વડોદરામાં પૂરનું સંકટ: વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી: NDRF અને SDRFની ટીમોને શહેરમાં તૈનાત કરાઈ

વડસર, સયાજીગંજ, સમા, સયાજીગંજ અને કારેલીબાગમાં લોકોના ઘર ખાલી કરાવાયા :કાલાઘોડા બ્રિજ પરથી અવરજવર બંધ કરીને તેના પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો: પાણીની આવક ચાલુ રહેશે તો મોટી આફત સર્જાઈ શકે

વડોદરા જિલ્લામાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને જોતા હવામાન વિભાગ દ્વારા રેડએલર્ટ આપવામાં આવ્યું છે. જેના પગલે આજે વહેલી સવારથી વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સૌથી વધુ સાડા 10 ઈંચ વરસાદ પાદરા તાલુકામાં નોંધાયો છે. ભારે વરસાદના પગલે જિલ્લાના તમામ નદી-નાળા છલકાયા છે. એમાંય વડોદરા મધ્યેથી પસાર થતીં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતા શહેરના માથે પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.

વડોદરા શહેર ઉપરાંત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આજવા સરોવરની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતાં વડોદરા શહેરના મધ્મમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ તેની ભયજનક સપાટી 26 ફૂટ વટાવી દીધી હતી અને હાલ 28 ફૂટે વહી રહી છે. જેથી અગમચેતીના ભાગરૂપે કાલાઘોડા બ્રિજ પરથી અવરજવર બંધ કરીને તેના પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી આજે રાત સુધીમાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી 30 ફૂટ ઉપર પહોંચી શકે છે. જેથી વડોદરાના માથે પૂરનું સંકટ તોળાતા વહીવટી તંત્ર સાબદું બની ગયું છે.

 

વડોદરા કોર્પોરેશને શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે, વડસર, સયાજીગંજ, કારેલીબાગ અને સમામાં લોકોના ઘર ખાલી કરાવી 1500થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું છે. આ સિવાય સમા વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થ બંગલોઝ અને રિધમ હોસ્પિટલને પણ ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે NDRF અને SDRFની ટીમોને પણ શહેરમાં તૈનાત કરી દેવામાં આવી છે.

આ અંગે વડોદરા મ્યનિસિપલ કમિશનર દીલીપ રાણાએ જણાવ્યું કે, ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ હોય માત્ર બે થી અઢી કલાકમાં મોટી આફત સર્જાઈ શકે છે. વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળી શકે છે.

 

જિલ્લા અને તમામ તાલુકા મથકો ખાતે કંટ્રોલ રૂમ 247 કાર્યરત વડોદરા જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખાતે નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે, જેનો સંપર્ક નંબર 1077 અને 0265-2427592 છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ મુખ્ય મથક ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જેના સંપર્ક નંબરો જણાવીએ તો, પાદરા તાલુકાના કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર 02662-222590 છે. આવી જ રીતે સાવલી તાલુકા માટે 02667-222045 (મોબાઈલ - 9408316602), કરજણ તાલુકા માટે 02666-232046, ડભોઈ તાલુકા માટે 02663-254315, વાઘોડિયા તાલુકા માટે 02668-262229 (મોબાઈલ - 8140630146), ડેસર તાલુકા માટે 02667-299087/88, શિનોર તાલુકા માટે 02666-264272 તેમજ વડોદરા તાલુકા માટે 8200746292 નંબર પર સંપર્ક કરવાનો રહેશે. આ તમામ કંટ્રોલ રૂમ અને સંપર્ક નંબરો 247 કાર્યરત રહેશે. ચોમાસા દરમિયાન ભારે કે અતિભારે વરસાદ, વાવાઝોડું, પૂર, પાણી ભરાઈ જવાની સમસ્યા સહિતના નિરાકરણ માટે વડોદરા જિલ્લાના નાગરિકો ઉક્ત નંબરો પર ગમે ત્યારે સંપર્ક કરી શકશે.

તદુપરાંત જિલ્લામાં આરોગ્ય, ફાયર, વન વિભાગ, જિલ્લા પંચાયત, માર્ગ-મકાન વિભાગ અને સિંચાઈ વિભાગ દ્વારા પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. વરસાદી પાણીના નિકાલ માટે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે.

(9:43 PM IST)