<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

રાજ્યના 5 તાલુકામાં 10 ઈંચથી વધુ ધોધમાર વરસાદ ખાબક્યો : 17 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

સાંજે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાક દરમિયાન 179 તાલુકામાં વરસાદ નોંધાયો

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મેઘરાજા ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 243 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે રાજ્યના 5 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જે પૈકી વડોદરા જિલ્લાના પાદરામાં 300 મિ.મી. (11.8 ઈંચ), પંચમહાલના મોરવા હડફમાં 296 મિ.મી (11.6 ઈંચ), આણંદના બોરસદમાં 287 મિ.મી (11.2 ઈંચ), વડોદરા શહેર 284 મિ.મી (11.1 ઈંચ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં 260 મિ.મી (10.2 ઈંચ) વરસાદ વરસ્યો છે. આજે આખા દિવસ દરમિયાન 155 તાલુકામાં 1 ઈંચથી વધુ, 108 તાલુકામાં 2 ઈંચથી વધુ, 70 તાલુકામાં 3 ઈંચથી વધુ તેમજ 49 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

 

સાંજે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાક દરમિયાન રાજ્યના 179 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 70 મિ.મી, ગોધરામાં 64 મિ.મી., અમદાવાદના માંડલમાં 56 મિ.મી., દ્વારકાના ખંભાળિયામાં 55 મિ.મી., મોરબી શહેરમાં 52 મિ.મી તેમજ પાટણના રાધનપુરમાં 48 મિ.મી વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં તેઓ અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ.

તેમણે નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તીને પણ લોકોને અટકાવવા જરૂરી છે તેમ કલેક્ટરશ્રીઓને આ અંગેની સૂચનાઓ આપતા જણાવ્યું હતું. પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવા ની બાબત પણ અગ્રતા આપવા સૂચના આપી હતી

રાજ્યમાં અત્યાર સુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર તેમજ 1,653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.
અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 13 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મેળવી હતી.
 તદ અનુસાર સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરેરાશ 63.36 મી..મી વરસાદ આ સમયગાળામાં પડ્યો છે.
 આ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં 356 મીમી નોંધાયો છે.

સોમવારે, 26 ઓગસ્ટના સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 157 મિ.મી. વરસાદ વરસ્યો છે.
સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમ નો એવરેજ 91.88 ટકા વરસાદ થયો છે.
 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે રાજ્યમાં થયેલા આ વરસાદને પરિણામે નદીઓ જળાશયોમાં આવેલા પાણીની સ્થિતિની પણ વિગતો મેળવી હતી.
 તદ અનુસાર રાજ્યના 206 જળાશયોમાંથી 100% ભરાઈ ગયા હોય તેવા 59 જળાશયો છે. 72 જળાશયો હાઈ એલર્ટ પર અને 22 એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તથા 9 માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે.
 સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 88.74% એટલે કે 2,96,459 MCFT પાણીનો જથ્થો છે.
 મુખ્યમંત્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે.
 સમગ્ર રાજ્યમાં 7009 ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી તેમાંથી 6977 ગામોમાં સ્થિતી પૂર્વવત થઈ છે અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે.
 એટલું જ નહીં 6090 વીજ પોલને થયેલા નુકસાનમાંથી 5961 રીપેર કરી દેવાયા છે.
 મુખ્યમંત્રીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ, માટી, કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી.
 રાજ્યમાં હાલ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં મળીને સમગ્ર તયા 523 માર્ગો બંધ છે.
 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી.
 હવામાન વિભાગના અધિકારીઓએ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી.
 તદનુસાર મુખ્યમંત્રીએ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેકટરો ને એલર્ટ રહેવા સૂચના આપી હતી.
 મુખ્યમંત્રીએ ખાસ કરીને નવસારી , વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટા ઉદેપુર સહિતના વધુ અસર ગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણ વાળા વિસ્તારોના લોકો ના કરવામાં આવેલા સ્થળાંતર ની ઝીણવટ પૂર્વકની સમીક્ષા કરી હતી.
 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સુચનાઓ આપી હતી.
 તેમણે સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલીટી અભિગમ અપનાવી સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું

(10:54 PM IST)