<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી ૫૪ ટ્રેનો રદ, મુસાફરોને હાલાકી

ગુજરાતમાં ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર અસ્તવ્યસ્ત થતા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે

સુરત,તા.૨૮, : ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન પર ભારે વરસાદના કારણે બાજના સ્ટેશન પર પાણી ભરાઈ જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. અત્યાર સુધીમાં ૫૬ ટ્રેન રદ કરવામાં આવી છે અને ૪૩ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી રહી છે. તેને લઈને સુરત રેલવે સ્ટેશન પર લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર અસ્તવ્યસ્ત થતા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. તો, કેટલીક ટ્રેનો ૧૦થી ૧૨ કલાક મોડી ચાલી રહી છે. સુરત રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં યાત્રીઓ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ટ્રેન રદ થવાની કે, મોડી પડવાની જાણકારી તેમને પહોંચી નથી એવી ફરિયાદ તેઓ કરી રહ્યા છે. કેટલાય યાત્રીઓ રેલ્વે પ્લેટફોર્મ પર ૧૦ કલાકથી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે પણ ટ્રેન ન મળતા તેમને હાલાકી થઈ રહી છે.

રેલ્વે સ્ટેશન પર યાત્રીઓને કોઈ પણ પ્રકારની જાણકારી અધિકારીઓ દ્વારા આપવામાં ન આવી હોવાની ફરિયાદ યાત્રિકો દ્વારા સતત કરવામાં આવી રહી છે. સુરત રેલ્વે સ્ટેશન પર મુંબઈ અને ભાવનગરથી આવેલા યાત્રીઓ ટ્રેન મોડી થતા ફસાયા છે.  તેમની ટ્રેન સ્ટેશનથી ઘણી દૂર છે એવા જ જવાબ તેમને મળી રહ્યા છે. જેને કારણે યાત્રીઓ અન્ય ટ્રેનની પણ વ્યવસ્થા કરી શક્યા ન હતા. પોતાની વાત જણાવતા એક યાત્રી શાકીરે જણાવ્યું હતું કે, અમારે મુંબઈ પહોંચવાનું હતું ત્યાંથી મારી ફ્લાઈટ હતી. અમારી ટ્રેન અહીંથી ૭: ૨૫ની હતી. ટ્રેન ક્યાં છે ક્યારે આવશે તે વિશે અહીં કોઈને અપડેટ જ નથી. ઇક્નવાયરી કાઉન્ટરથી લઈને વેબસાઈટ પર પણ તે અંગે કોઈ જ માહિતી નથી. ક્યારેક વરસાદ અત્યારે ગરમી સહન કરીને અમે સવારે ૬: ૩૦ વાગ્યાથી પ્લેટફોર્મ પર ઉભા છે. સૌથી ખરાબ બાબત એ છે કે અહીં સચોટ માહિતી કોઈની પાસે નથી. ટેકનોલોજીના યુગમાં ટ્રેન ક્યાં છે તે પણ તેઓ કરી શકતા નથી. યાત્રી દિનેશ કુમારે જણાવ્યું હતું કે, હું સૂર્યનગરીમાં જવાનો હતો. ટ્રેન ૫.૩૦ થી ૬ કલાક લેટ બતાવે છે પરંતુ હજી સુધી તેની કોઈ જ અપડેટ નથી.અમે ઇક્નવાયરી કાઉન્ટર પર પૂછીને થાકી ગયા છે પરંતુ કોઈ જ માહિતી મળી રહી નથી. અનેક ટ્રેન રદ હોવાથી અન્ય ટ્રેનની વ્યવસ્થા પણ કરી શકતા નથી. ટ્રેન રદ હોવાથી ડાઈવર્ટ થવા અંગે પણ પહેલા કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આ અંગે યાત્રી સૂર્યકાંત યાદવે જણાવ્યું હતું કે, મારે મુંબઈ જવાનું છે અને સવારે ૮: ૦૦ વાગ્યાથી પ્લેટફોર્મ ઉપર ઊભા છીએ પરંતુ ટ્રેન ક્યારે આવશે તે અંગે કોઈ જણાવી રહ્યું નથી. હમણાં થોડીવાર પહેલા જ જરૂર પૂછ્યું ત્યારે તેમણે સમય અંગે જવાબ આપ્યો ન હતો.અમારે કેટલી રાહ જોવી પડશે ?? કોઈ વિશ્વાસ પણ નથી અપાવી રહ્યું. બે કલાકે ચાર કલાક રાહ જોયા પછી પણ ટ્રેન આવશે કે કેમ એ બતાવી રહ્યા નથી. ટ્રેન સ્ટેશનથી ઘણી દૂર છે માત્ર એવો જ જવાબ મળી રહ્યો છે. વેસ્ટન રેલવેના CPRO શ્વિનીત અભિષેકે જણાવ્યું હતું કે, રેલ્વે વિભાગ દ્વારા ૫૪ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. ૧૩ જટેલી ટ્રેનોના રૂટને ટૂંકાવાયા છે જ્યારે ૩૬ જેટલી ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનની ચોક્કસ સ્થિતિ તપાસે. સ્ટેશનો, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા અને મુસાફરોને સંદેશાઓ દ્વારા ટ્રેનો વિશેની માહિતી આપવામાં આવી રહી છે.

(12:42 PM IST)