<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

વિશ્વામિત્રીના પાણી ઘૂસતા વડોદરા કફોડી સ્થિતિમાં મુકાયું : 5 હજાર લોકોનું સ્થળાંતર કરાયું : 1200 લોકોને બચાવાયા

એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મી દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ : તંત્ર દ્વારા ફૂડ, પાણી અને તબીબી સેવાને પ્રાથમિકતા

વડોદરામાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘૂસી જવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે. વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોની હાલત કફોડી બની છે. અત્યારસુધીમાં શહેરમાંથી 5 હજાર જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 1200 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

આજે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા સ્થિતિનો તાગ મેળવવા માટે વડોદરા પહોંચ્યા હતા. જ્યાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં સ્થિતિ નિયંત્રણમાં આવી જશે. ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ન ઉદ્ભવે એ માટે વ્યાપક એક્શન પ્લાન બનાવવાની જરૂર છે. સમગ્ર રાજ્ય ભારે વરસાદથી અસરગ્રસ્ત છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે વડોદરામાં પૂર જેવી સ્થિતિ બની છે.

તેમણે વધુમાં જણાવ્યું છેકે, એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મી દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા ફૂડ, પાણી અને તબીબી સેવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમજ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીની વધુ ટીમો રાહત કામગીરી માટે ફાળવવામાં આવી રહી છે.

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું છેકે, ધારાસભ્યો અને સાંસદો દ્વારા પોતાની ચિંતા કર્યા વગર પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મદદ કરી રહ્યાં છે. હરણી, સમા, અકોટા, અજીતનગર, ફતેગંજ અને વડસર સહિતના આ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યો ઝડપથી થાય એ માટે વધારાની ટીમો ફાળવવામાં આવી છે. સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. સરકારનું સંપૂર્ણ ધ્યાન વડોદરા પર કેન્દ્રિત છે અને જરૂરી તમામ સુવિધા લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

(10:39 PM IST)