તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 30th August 2024
વરસાદનું જોર ઘટયું, પણ હજુ ૪ જિલ્લાઓમાં રેડએલર્ટ
કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જુનાગઢમાં ભારે વરસાદની આગાહી કરતું હવામાન ખાતું

અમદાવાદ તા. ૩૦: ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેહુલિયાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી છ દિવસ રાજયમાં વરસાદ રહેશે. પાછલા બે દિવસની સરખામણીએ આજે વરસાદનું જોર ઘટયું છે. જો કે આજે પણ રાજયનાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
રાજયમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આજથી ૬ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે અને કાલે અને રવિવાર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દરિયામાં LC-III સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હજુ઼ પણ યથાવત છે, આ ડિપ્રેશન ૩ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે આગામી ૬ દિવસ ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. ઓફશોર ટ્રફ, સાયકલોનિક સકર્યુલેશન સક્રિય થતા રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આજે ૩૦ ઓગસ્ટ માટે અતિભારેની આગાહી કરીને જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે જ રાજકોટ, જૂનાગઢ, મોરબી, વલસાડ, સુરત, દાદરાનગર હવેલી જિલ્લાઓમાં ભારેનો ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
