તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
અમદાવાદમાં ૧૯૦૦૦ થી વધુ સ્થળોએ ખાડારાજ : રોડ-રસ્તા બેહાલ

અમદાવાદ, તા.૩૦: શહેરમાં વરસાદ બાદ દેડકાં જોવા મળે કે ના મળે પણ રોડ પર ખાડા તો અવશ્ય જોવા જ મળે છે. ચોમાસા દરમિયાન અમદાવાદના રોડમાં ૧૯૬૨૬ ખાડા પડી ચૂકયા છે. આ ઉપરાંત અમદાવાદમાં ૧૦ ઈંચ વરસાદ પડ્યાને ૭૨ કલાકથી વધુ સમય વીતી ચૂકયો હોવા છતાં અનેક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા પણ યથાવત છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન ફરી એક વખત પાણીમાં જ બેસી ગયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ખાડા-ભૂવા પડવા કે રોડ બેસી જવાની સૌથી વધુ ૫૨૯૭ ઘટના ઈસ્ટ ઝોનમાં બનેલી છે. રોડમાં ખાડા પડવાની સૌથી વઘુ ઘટનામાં સાઉથ ઝોન ૪૩૮૮ સાથે બીજા, નોર્થ વેસ્ટ ઝોન ૩૧૫૦ સાથે ત્રીજા, નોર્થ ઝોન ૨૨૨૮ સાથે ચોથા સ્થાને છે. આ ૧૯૬૨૬ પૈકી ૧૯૨૨૮ રોડ રીપેર પણ કરવામા આવ્યા હોવાનો દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયો છે જ્યારે ૩૯૮ રોડમાં હજુ કામગીરી બાકી જ છે.
શહેરના ૧૯૨૨૮ રોડ પૈકી ૧૨૨૧૮નું વેટમિક્સથી, ૫૯૯૯નું કોલ્ડમિક્સથી, ૫૧૫નું જેટપેચરથી, ૩૬૫નું હોટમિક્સથી જ્યારે ૧૩૧નું ઈન્ફ્રારેડ ટેક્નોલોજીને સમારકામ કરવામાં આવેલું છે. જોકે, આ સમારકામ ખરેખર થયું છે કે કેમ અને થયું પણ હશે તો કેટલું ટકશે તે પણ મોટો સવાલ છે. રોડના સમારકામ માટે ૩૦૮ શ્રમિકો, ૩૬ ટ્રેક્ટર, ૧૧૦ છોટા હાથીની મદદ લેવામાં આવેલી છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલા પ્રી મોન્સૂન પ્લાન પાછળ અને તે નિષ્ફળ ગયા બાદ તેનાથી બમણો ખર્ચ ચોમાસા દરમિયાન જ કરવામાં આવે છે.
અમદાવાદમાં હાલ ઠેકઠેકાણે ખાડા પડ્યા છે. અમદાવાદ એરપોર્ટ સુધી જવાના રસ્તે પણ મસમોટા ખાડા છે. જેના કારણે બહારથી અમદાવાદ આવતી વ્યક્તિ શહેરના ‘વિકાસ' અંગે કેવી છાપ લઇને જશે તે સમજી શકાય એમ છે. આ ઉપરાંત શેલા, સાઉથ બોપલ, ગોતા, સેટેલાઇટ, પાલડી, મણિનગરમાં પણ ઠેકઠેકાણે ખાડા પડવાથી લોકો ત્રાહિમામપોકારી ચૂકયા છે. ખાડાને કારણે કમરદર્દ ધરાવતા દર્દીઓની સમસ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
