<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

કાલે ગાંધીનગરથી રાષ્ટ્રીય પોષણ માસ ઉજવણી પ્રારંભ

કેન્દ્રીયમંત્રી અન્નપૂર્ણાદેવી પ્રારંભ કરાવશે : પોષણ બાસ્કેટનું વિતરણ કરાશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૩૦: સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં દેશની મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮થી દર વર્ષે ભારતભરમાં સપ્ટેમ્બર માસને 'રાષ્ટ્રીય પોષણ માહ' તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ  તા. ૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં સાતમાં 'રાષ્ટ્રીય પોષણ માહ'ની ઉજવણી કરવામાં આવશે. ગાંધીનગર ખાતેથી તા. ૩૧મી ઓગસ્ટના રોજ કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી સાતમાં પોષણ માહની ઉજવણીનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવશે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહેશે.

સાતમાં રાષ્ટ્રીય પોષણ માહના શુભારંભ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના વરદહસ્તે અન્નપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટનું વિતરણ કરવામાં આવશે. સાથે જ, રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વિધવા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના તથા મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને પણ સહાય વિતરણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોષણ અભિયાનની વર્ષ ૨૦૧૭-૧૮માં શરૂઆત કરવામાં આવી, ત્યારથી અત્યાર સુધીમાં  કુલ છ પોષણ માસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ગુજરાત દરેક વર્ષે અગ્રેસર રહ્યુ છે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના 'રાષ્ટ્રીય પોષણ માહ'ની ઉજવણીનું આયોજન વિવિધ થીમ આધારિત કરાશે

(4:35 PM IST)