તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
વિદેશી ગાયોને પોષતા અને દેશી ગાયોને અવગણતા ફતવા સામે ગીર ગાયના સંવર્ધક-તજજ્ઞ ઘનશ્યામ મહારાજે દર્શાવ્યો સખત વિરોધ
ભારતીય દેશી ગૌવંશનું સંવર્ધન-વિકાસ અને રક્ષણ કરવુ આપણા દેશના પશુપાલન અંગેની રાષ્ટ્રીય નિતિ છે તેના વિરૂધ્ધ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટો દ્વારા વિલાયતી ગાયોની તરફેણ કરતો વિવાદી પરીપત્ર સંદર્ભે મુદ્દાસરની રજુઆતઃ ભારતીય ગૌવંશ મોહેંજો દડો સમયનો સાતસો વર્ષનો ભવ્ય ઇતિહાસ ધરાવે છેઃ વૈજ્ઞાનિક રીતે તેમના અનેક સારા ગુણો વિશ્વમાં પ્રસ્થાપિત થયા છે અને દુનિયાભરમાં એ-ટુ દુધ વેચાય છે ત્યારે દેશી કેટલ્સના દુધના દરવાજા સંપુર્ણ બંધ કરતા પહેલા દેશના શ્રેષ્ઠ ગૌપાલકો, તજજ્ઞો અને એનડીડીબીના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી સલાહ લેવી અત્યંત આવશ્યકઃ ઘનશ્યામ મહારાજ

રાજકોટ, તા., ૩૧: ગીર ગાયના સંવર્ધક-તજજ્ઞ ઘનશ્યામ મહારાજે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના એકઝીકયુટીવ ડાયકેરટર શ્રી ઇનોશી શર્માને સંબોધી કરેલી રજુઆતમાં વિલાયતી ગાયોને પોષતા અને દેશી ગાયોને અવગણતા ફતવા સામે સખત વિરોધ દર્શાવ્યો છે. રજુઆતમાં જણાવાયું છે કે, ભારતીય દેશી ગૌવંશનો સંવર્ધન - વિકાસ અને તેનું રક્ષણ કરવું આપણા દેશના પશુપાલન અંગેની રાષ્ટ્રીય નીતિ છે. આ નીતિની વિરૂધ્ધ હોય એવો આપનો ફાઇલ નંબર RCD - ૦૨૦૦૪/૧/૨૦૨૩ રેગ્યુલેટરી - FSSAI - પાર્ટ(૧)ના પરિપત્રને વાંચીને ‘બોસતોરસ' કેટલ્સના મુકાબલે ‘ઇન્ડીકસ' દેશી કેટલ્સના દુધના દરવાજા સંપૂર્ણ બંધ કરતા પહેલા એ-૨ અને એ-૧ કેટલ્સ અંગે ન્યુઝીલેન્ડમાં થયેલ ફોંટેરા કંપનીના રિપોર્ટને ભારતની દુધની બજારને, ભારતના દેશી ગૌવંશને કેટલો ફાયદાકારક છે તેની માહિતી હશે કે નહીં એ પણ અમારા જેવી છેલ્લા ૬૦ વર્ષોથી શુધ્ધ દેશી ગૌ સંવર્ધન માટે કામ કરતી ગીર ગોપાલક સહકારી સંઘ લીમીટેડ તથા અમારા જેવી અન્ય સંસ્થાઓ માટે અઘરો સવાલ છે.
આ સમાચાર વાંચ્યા પછી અમે રાજકોટના વર્તમાન સાંસદ અને દેશના પૂર્વ પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમભાઇ રૂપાલા પાસે રૂબરૂ જઇને ચર્ચા કરી હતી, તેમણે પણ આ વિષયમાં અંતિમ નિર્ણય લેતા પહેલા આઇસીઆરને તેમના કાર્યકાળમાં દેશી ગાયોના દૂધ - ગૌમૂત્ર તથા તેના છાણ અંગે સંશોધન કરવાનો આદેશ આપ્યો હતો તેને ધ્યાનમાં લેવા કહ્યું હતું, એ પ્રોજેકટ અંગે શું થયું તેની પણ કોઇ માહિતી અમારી પાસે નથી.
તમે દેશમાં આ લેવલના આ વિષયના સર્વશ્રેષ્ઠ નિષ્ણાંત અને આદેશ જાહેર કરનાર અધિકારી છો, એટલે આ બાબતે ફરીથી સમજી - વિચારીને ભારતીય દેશી ગૌવંશના સંવર્ધન - વિકાસ અને રક્ષણ માટે દેશના શ્રેષ્ઠ ગોપાલકો પોતાની સાથે રાખીને એક મીટીંગનું આયોજન કરો, અને આ મીટીંગમાં લેવાયેલ નિર્ણયો પર ચર્ચા થાય એ આપણા દેશના માટે અને ભારતીય ગૌવંશ માટે બહુ જરૂરી છે.
આની ગંભીરતાને સમજો એ અંગે ખાસ વિનંતી છે. ભારતીય ગૌવંશ તેમના અનેક સારા ગુણોમાં કારણે વિશ્વમાં ખાસ સ્થાન ધરાવે છે ત્યારે આપનો આદેશ સંપૂર્ણ રીતે વ્યવહારિક અને વૈજ્ઞાનિક હોવો જોઇએ. વિશ્વમાં ભારતીય ગૌવંશથી ભારતને થનાર નફા-નુકસાનને જોવાનું પણ બહુ જરૂરી છે.
આ બાબતે અમે આપને નિમ્ન લિખિત માહિતી મોકલી રહ્યા છીએ.
(૧) આપ જાણો છો તે મુજબ અખંડ ભારત ભૂમિ પર ‘મોહેં જો દડો' ના પ્રાપ્ત થયેલ અવશેષોમાં ખુંધવામાં ઇન્ડીકસ તથા ખુંધ વગરના બોસ તોરસ કેટલ્સનું અસ્તિત્વ હતું. સમય વિતવાની સાથે ખુંધ વગરના બોસતોરસ કેટલ્સમાં આનુવંશિક કમીના કારણે તેઓ ખુંધવાળા ઇન્ડીકસ કેટલ્સમાં વિલીન થઇ ગયા. તેના કારણે વર્તમાન ભારતીય ગૌવંશમાં એ-ર અને એ-૧ બન્ને જીન્સના કેટલ્સ જોવા મળે છે.
(ર) હૈદ્રાબાદ અને ગુજરાતમાં આણંદ વગેરેની ઘણી અદ્યતન લેબોરેટરીમાં એ-ર અને એ-૧ જીન્સના ગૌવંશના બ્લડ ટેસ્ટથી આ ગૌવંશના જીન્સ-એ-ર છે કે એ-૧ તે નકકી કરી શકાય છે.
(૩) અમારા ૬૦ વર્ષોના ગૌ સંવર્ધનના અનુભવથી, પાછલા પ૦ વર્ષોમાં દેશની પશુપાલનની ઘણી બધી શ્રેષ્ઠ કમિટીઓમાં સભ્ય તરીકે કામ કર્યા પછી મળેલ અનુભવથી સાબિત થાય છે કે ભારતીય દેશી ગૌવંશના દૂધમાં અને હોલ્સટીન-જર્સીં ગાયોના દૂધમાં ઘણો બધો તફાવત છે. જે બન્નેના દૂધના સ્વાદની સાથે સાથે સુગંધ અને તેના ફેટની ટકાવારીમાં પણ દેખી શકાય છે.
(૪) એ-ર અને એ-૧ દૂધમાં આ ફરકનાં કારણે જે લોકોને આ દૂધનો વધારે ભાવ આપવામાં કોઇ તકલીફ નથી તે લોકો ભારતીય ગૌવંશના દૂધના એક લીટરના ૧પ૦ રૂપિયા ચૂકવીને પણ માત્ર ને માત્ર ભારતીય ગૌવંશનું દૂધ જ પોતાના પરિવાર માટે વાપરે છે. તેમણે જર્સી ગાયોના દૂધનો વપરાશ કરવાનું બંધ કરી દીધું છે.
(પ) ન્યુઝીલેન્ડની ફોંટેરા કંપનીના રિસર્ચ પછી વિશ્વના દરેક દેશોમાં એ-ર દૂધને પ્રાધાન્ય આપીને ખાસ કરીને માન્યતા આપીને એ-ર ગાયોના દૂધને અલગથી પેક કરીને વધારે કિંમતે વેચવામાં આવે છે. તેનું પ્રમાણ આ સાથે આપને મોકલ્યું છે.
(૬) અમારા જેવા ગૌ સંવર્ધકો પાસેથી વૈજ્ઞાનિક રીતે સંશોધિત થયેલ ટેકનીકલ જવાબો આપ માંગો અને તેના બદલામાં ફરીથી નવેસરથી વિચારીને ભારતીય દેશી ગૌવંશને થનાર અન્યાયને તમે એક ભારતીય હોવાના નાતે ન્યાય આપવો તે બહુ જરૂરી છે.
આના માટે તાત્કાલિક ગંભીરતાપૂર્વક આ બાબતે ધ્યાન આપવું જરૂરી છે. આપ આ બાબતે મીટીંગ બોલાવીને અને ખાસ કરીને આ મીટીંગમાં એનડીડીબીના પ્રતિનિધિને પણ બોલાવો તે બહુ જરૂરી છે.
તમારા તરફથી આ બાબતે તાત્કાલિક પગલા લેવાય તે જરૂરી છે તેમ શ્રી ગીર ગોપાલક સહકારી સંઘ લીમીટેડના ચેરમેન ઘનશ્યામ મહારાજ (ભુવનેશ્વરી વિદ્યાપીઠ-ગોંડલ) એ તેમની મુદ્દાસરની રજુઆતના અંતે જણાવ્યું છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
