<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

રાજ્ય સરકાર દ્વારા 4 હજાર જૂના શિક્ષકોની ભરતી કરવા નિર્ણય : 12 સપ્ટેમ્બરથી ઑનલાઈન અરજી કરી શકશે

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ મૂકીને જાણકારી આપી

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની ભરતી બાબતે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4 હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ મૂકીને જાણકારી આપી છે.

પોતાની પોસ્ટમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા 4 હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2 હજાર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 2 હજાર મળીને કુલ 4 હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવશે. આ માટે ઉમેદવારોએ આગામી 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન gserc.in ની વેબસાઈટ પર ઑનલાઈન અરજી કરવાની રહેશે.

   અત્રે  ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં જ શિક્ષણ વિભાગ દ્વારા જૂના શિક્ષકોની ભરતી અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા અને હાલ સેવામાં હોય તેવા શિક્ષકો જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ ઉપરાંત કોઈ નિયમિત શિક્ષકની વયનિવૃતિ માટે 2 વર્ષ કરતાં ઓછો સમય બાકી હશે, તો આવા શિક્ષક જૂના શિક્ષક તરીકે ભરતી માટે અરજી નહીં કરી શકે.


 

(12:43 AM IST)