<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

અમદાવાદ બનાવટી ડોક્યુમેન્ટના આધારે કરોડોની જમીનનો દસ્તાવેજ કર્યો : વેચવા જતા જ કરતૂતોનો પર્દાફાશ થયો

આરોપીઓએ પ્લોટ માલિકના બનાવટી ચુંટણી કાર્ડ, પાનકાર્ડ, અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરીને બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું

અમદાવાદ,તા.૧,

અમદાવાદ  શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા મકરબા ગામની સીમમાં આવેલ અભિશ્રી રેસીડન્સી ૩માં આવેલ કરોડો રૂપિયાના પ્લોટનો બનાવટી દસ્તાવેજ બનાવીને જમીન વહેચી દેવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જે ગુનામાં પોલીસે પાર્થ શાહ, મેહુલ પરીખ અને કિશોર પંચાલ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ પ્લોટ માલિકના બનાવટી ચુંટણી કાર્ડ, પાનકાર્ડ, અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરીને બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું.

બાદમાં જમીનનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી બનાવટી સોગંદનામાના આધારે રેવન્યુ રેકર્ડમાં નોંધ કરાવી. જો કે આરોપીઓએ આ જમીન વહેચવા માટે કેટલાક દલાલોને વાત કરતા સમગ્ર કૌભાંડની જાણ પ્લોટના માલિકને થઈ હતી. જેથી જમીન માલિકએ તાત્કાલિક આ બાબતની જાણ શહેર પોલીસ કમિશનરને કરતા આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. અને ત્રણ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ પાર્થ શાહ છે. જે વાસણા વિસ્તારમાં રહે છે. આ અગાઉ તે ફરીયાદી ધ્રુવિશ મહેતાની કંપનીમાં કામ કરતો હતો. જેથી તેઓની અહીં જમીન હોવાની જાણ તેને હતી. આરોપી પાર્થ શાહએ અન્ય બે આરોપીઓ સાથે મળીને બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતાં.

બાદમાં તેણે જીગર શાહ નામના વ્યક્તિને પ્લોટના માલિક ધ્રુવિશ મહેતા તરીકે રજૂ કરીને તેના નામનો દસ્તાવેજ બનાવડાવ્યો હતો. જે પ્લોટ વહેચવા માટે આરોપીઓએ કેટલાક જમીન દલાલોને વાત કરી હતી. પરંતુ આ દલાલો પ્લોટના માલિક ધ્રુવિશ મહેતાને ઓળખતા હોવાથી તેઓને આ બાબતની જાણ કરી હતી.

પ્લોટનો બારોબાર બનાવટી દસ્તાવેજ થઈ ગયો હોવાની જાણ થતાં જ તેણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. આરોપીઓએ જીગર શાહને ધ્રુવિશ મહેતા તરીકે રજૂ કરવા માટે તેના જેવી હેર સ્ટાઇલ અને ચશ્મા પણ આપ્યા હતા. એટલું જ નહીં આ કામ માટે તેને ૧૯ લાખ આપવાનું નક્કી કર્યું હતું. જેમાંથી મોટાભાગની રકમ તેને ચુકવી પણ દીધી હતી. હાલમાં પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આ કૌભાંડ પાછળ હજી કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે અંગે તપાસ શરૂ કરી છે. જ્યારે આરોપીઓએ બનાવટી ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ અને પાન કાર્ડ કેવી રીતે બનાવ્યા તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

(11:38 AM IST)