<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

ઉધનામાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખવાની ઘટના ઘટી

આરોપીએ અગાઉ વર્ષ ૨૦૧૫માં તેની જ પત્નીની હત્યા કરી નાખી હતી અને એ ગુનામાં તે હાલમાં જેલમાં બંધ હતો

સુરત,તા.૧,

સુરત શહેરના ઉધનામાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખવાની ઘટનામાં પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી છે. નાના ભાઈના લગ્ન થવાના હોવાથી તેનું મન દુઃખ રાખી હત્યા કરી હતી. આરોપીએ અગાઉ વર્ષ ૨૦૧૫માં તેની જ પત્નીની હત્યા કરી નાખી હતી અને એ ગુનામાં તે હાલમાં જેલમાં બંધ હતો. થોડા દિવસ પહેલા જ જામીન પર બહાર આવ્યો હતો અને હવે નાના ભાઈની હત્યાના ગુનામાં ફરી પકડાઈ ચૂક્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં ૨૫ ઓગસ્ટના રોજ એક હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી નાખી હતી. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાના ભાઈના લગ્ન થવાના હોવાથી મોટાભાઈએ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. જોકે, મોટો ભાઈ પહેલાથી જ આરોપી હતો. તેને તેની પત્નીની વર્ષ ૨૦૧૫માં હત્યા કરી નાખી હતી. આ મામલે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, ૨૫ ઓગસ્ટના રોજ ઉધના વિસ્તારમાં આવેલ બી.આર.સી નજીક પ્રભુનગર સોસાયટીમાં રહેતા રઘુનાથ પાત્રાએ તેના નાના ભાઈ રવિપાત્રાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ અંગે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પકડાયેલા આરોપીએ અગાઉ વર્ષ ૨૦૧૫માં તેની પત્નીની હત્યા કરી નાખી હતી. જેથી તે જેલમાં બંધ હતો પરંતુ હાલમાં તે જામીન પર બહાર આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેને કબૂલ્યું હતું કે, તેને જ તેના નાના ભાઈની હત્યા કરી છે. હત્યા કરવાનું મુખ્ય કારણ તેના નાના ભાઈના થોડા દિવસોમાં જ લગ્ન થવાના હતા. જેથી તેની અદાવતમાં ઝઘડો કરી તેની હત્યા કરી છે. પોતાના લગ્ન હવે થશે નહીં અને નાના ભાઈનો ઘર સંસાર મંડાશે તો તેના બાળકો પ્રોપર્ટીના વારસદારો બનશે અને મારે આગળ પાછળ કોઈ છે નહીં, જેથી મને પ્રોપર્ટીમાં કોઈભાગ મળશે નહીં, તેવી ચિંતામાં નાના ભાઈની હત્યા કરી નાખી છે. હાલ તો પોલીસે આરોપી રઘુનાથ પાત્રાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:09 PM IST)