<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

કોર્પોરેશનના વોર્ડ ઈન્સ્પેક્ટર ૯ હજારની લાંચ લેતા પકડાયાઃ ACBએ છટકું ગોઠવીને રંગે હાથ ઝડપ્યા

પ્રોપર્ટી ટેક્સની ભાડુઆત તરીકેની આકારણી નહીં કરવા આક્ષેપિત સંજય પટેલે ૧૦ હજારની લાંચ માગી હતી

અમદાવાદ, તા.૧,

ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઈન્સ્પેક્ટરને ૯ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ભાડાની ઑફિસની આકારણી ઓછી કરવા પેટે ૧૦ હજારની લાંચ માગી હતી. ACBએ રાયસણ, ગાંધીનગરના રહેવાસી સંજયકુમાર જયંતિભાઇ પટેલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીને CARE પ્રોગ્રામ હેઠળ અગાઉ પણ ભ્રષ્ટાચારી સામે લડત આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના આંબાવાડી ભુદરપુરા રોડ પર આવેલા અશ્વમેઘ એલીગન્સ પાર્ટ-૧માં ઑફિસ ભાડે રાખનારા નાગરિક પાસે AMCના વૉર્ડ ઈન્સ્પેક્ટર સંજયકુમાર પટેલ લાંચ માગી હોવાની ફરિયાદ આવી હતી. જેમાં ભાડે રાખેલી ઑફિસનો વર્ષ ૨૦૨૪-૨૫નો પ્રોપર્ટી ટેક્સ ફરિયાદીએ ભરવાનો બાકી હતો. પ્રોપર્ટી ટેક્સની ભાડુઆત તરીકેની આકારણી નહીં કરવા આક્ષેપિત સંજય પટેલે સૌપ્રથમ ૧૦ હજારની લાંચ માગી ત્યારે રકઝકના અંતે ૯ હજાર રૃપિયા લાંચ લેવા માટે તૈયાર થયા હતા. આ પછી, ACB અધિકારીએ આજે (૩૧ ઑગસ્ટે) લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં સંજય પટેલને રૃ ૯ હજાર રૃપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો.

સંજય પટેલ વર્ષ ૨૦૧૨માં જુનિયર ક્લાર્ક કમ વૉર્ડ ઈન્સ્પેક્ટર તરીકે AMCમાં નોકરી લાગ્યો હતો. ૮ વર્ષ સુધી તેણે ગીતા મંદિર પાસે આવેલી જન્મ-મરણ અને લગ્ન નોંધણીની કચેરીમાં ફરજ બજાવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૧થી સંજય પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવે છે.

સંજય પટેલ સામે લાંચની ફરિયાદ કરનાર જાગૃત્ત નાગરિકે અગાઉ પણ AMCના એક ભ્રષ્ટાચારી બાબુ સામે અરજી કરી લડત આપી હતી. લાંચિયા બાબુઓ સામે ફરિયાદ/રજૂઆત કરી ભ્રષ્ટાચાર સામે લડત આપનારા જાગૃત્ત નાગરિકોનું CARE પ્રોગ્રામ હેઠળ તાજેતરમાં ૧૫ ઑગસ્ટ સ્વાતંત્ર્ય દિને ACB દ્વારા સન્માન ક્યું હતું.

અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશનના PI ડી. બી. ગોસ્વામી સહિતના સ્ટાફે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જ્યારે ACB અમદાવાદના મદદનીશ નિયામક કે. બી. ચુડાસમા સુપરવિઝન ઑફિસર રહ્યા હતા.

(4:18 PM IST)