<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટર લાઇનમાંથી અતિભારે ભારે દુર્ગંધ મારતા લોકો ત્રાહિમામ

અનેક વિસ્તારોમાં દુર્ગંધ મારવાની સમસ્યાથી સ્થાનિકો કંટાળી ચૂક્યા છે ત્યારે કામ કરનાર એજન્સી આ સમસ્યા દૂર કરે તેવી માંગ:અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લીકેજ થતા ગંદુ પાણી માર્ગો પર વહેતા રોગચાળો ફાટવાનો ભય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેર માં વિકાસના કામો તો થયા છે પરંતુ મોટા ભાગના કામોમાં કામ કરનાર એજન્સી દ્વારા જાણે વેઠ ઉતારાઈ હોય એમ કામ પત્યા બાદ લોકો હેરાન થઈ રહ્યા છે. વાત કરીએ તો રાજપીપળામાં ભૂગર્ભ ગટર લાઇનો નંખાઈ તો ખરી પરંતુ લાંબા સમય બાદ તેનું પમ્પિંગ સ્ટેશન ચાલુ થયું પણ ઘણા સમયથી ભૂગર્ભ ગટરમાંથી અતિશય દુર્ગંધ મારવાની સમસ્યા સ્થાનિકોને સતાવી રહી છે.

   રાજપીપળાના દરબાર રોડ સહિત ઘણા વિસ્તારોમાં અમુક દિવસે ભૂગર્ભ ગટરમાંથી જાણે લેટ્રીનની ડબક ઉભરાઈ હોય તેવી ખતરનાક દુર્ગંધ મારતા લોકોનું જાણે માથું ફાટી જાય છે પરંતુ ફરિયાદ કોને કરવી અને કોણ આનું નિરાકરણ લાવશે તેવા સવાલ સામે આવે છે.
જોકે જાણવા મળ્યા મુજબ લાંબા સમય પહેલા નાખેલી આ લાઇનનું ગંદુ પાણી અત્યારસુધી કરજણ નદી માં જ વહેતું કરાતું હતું પરંતુ હાલ એકાદ અઠવાડિયાથી પમ્પિંગ સ્ટેશન ચાલુ થયું છે છતાં અનેક વિસ્તારોમાં દુર્ગંધ મારવાની સમસ્યાથી સ્થાનિકો કંટાળી ચૂક્યા છે.
અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લીક થતા ગંદુ અને દુર્ગંધ મારતું પાણી બહાર માર્ગો પર વહેતા રોગચાળો ફાટે તેવો પણ ભય છે,  પાલિકા તંત્ર આ માટે જે તે કામ કરનાર એજન્સી ને જાણ કરી આ ગંભીર સમસ્યા દૂર કરાવે તેવી માંગ છે.

(11:01 PM IST)