તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
અમદાવાદ-ગાંધીનગર સિવાયના તબિબો હડતાલથી અળગા
સ્ટાઇપેન્ડ વધારાના મુદ્દે રાજકોટ મેડિકલ કોલેજના રેસિડેન્ટ-ઇન્ટર્ન તબિબો હડતાલમાં જોડાયા નથી : અગાઉ મળતાં સ્ટાઇપેન્ડથી ૨૦ ટકા વધારો જાહેર કરાયો છેઃ ગુજરાતના ઇન્ટર્ન્સ-રેસિડેન્ટ તબિબોને અપાતું સ્ટાઇપેન્ડ સંપુર્ણપણે ટેકસ ફ્રી છે અને બીજા રાજ્યોની સરખામણીએ સ્ટાઇપેન્ડ આપવાની બાબતમાં ગુજરાત અગ્રેસરઃ દર્દીઓની સારવારના ભોગે લેવાયેલો નિર્ણય અમાનવીયઃ હડતાલની ચિમકી સરકાર સાંખી લેશે નહિ

રાજકોટ તા. ૨: રાજ્ય સરકાર દ્વારા રાજ્યની મેડીકલ કોલેજોના ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબિબોના સ્ટાઇપેન્ડમાં ૨૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો અન્ય રાજ્યોની મેડિકલ કોલેજ કરતાં વધારે હોવા છતાંઅને ટેકસ ફ્રી હોવા છતાં રાજ્યના ઇન્ટર્ન અને રેસિડેન્ડ તબિબોએ ૨૦ ટકા નહિ પણ ૪૦ ટકા સ્ટાઇપેન્ડનો વધારો માંગી આજ સોમવારથી હડતાલ પર જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ માત્ર અમદાવાદની બીજે મેડિકલ કોલેજ અને ગાંધીનગરની જીએમઇઆરએસ કોલેજ સિવાય રાજ્યની બીજી કોઇપણ સરકારી મેડિકલ કોલેજ કે જીએમઇઆરએસ (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત કોઇપણ મેડિકલ કોલેજમાં હડતાલ પાડવામાં આવી નથી. સરકારે પણ આ હડતાલને દર્દીઓના ભોગે લેવાયેલો નિર્ણય ગણાવી આ ચિમકીને સાંખી નહિ લેવાય તેવું વલણ અખત્યાર કર્યાનું જાણવા મળે છે.
ગુજરાત સરકાર દ્વારા ૩૧મી ઓગસ્ટે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોકટરોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જેમાં સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. ૨૧,૮૪૦, ડેન્ટલમાં રૂ. ૨૦,૧૬૦, ફિઝિયોથેરેપીમાં રૂ.૧૩, ૪૪૦ તેમજ આયુર્વેદ અને હોમિયોપથીમાં રૂ. ૧૫,૧૨૦ સ્ટાઇપેન્ડ વધારો કર્યો હતો. જો કે, રાજ્ય સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. આ મામલે બી.જે. મેડિકલના રેસિડેન્ટ ડોકટરો આજે બીજી સપ્ટેમ્બરથી હડતાલ પર ઉતરશે તેવો નિર્ણય કરાયો હતો. રાજ્યભરની સરકારી મેડિકલ કોલેજોના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબિબો પણ હડતાલમાં જોડાશે તેવું જાહેર થયું હતું. પરંતુ આજે માત્ર અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ અને ગાંધીનગરની જીએમઇઆરએસ કોલેજ સિવાયની એકપણ મેકિડલ કોલેજો કે જીએમઇઆરએસ કોલેજોના ઇન્ટર્ન્સ કે રેસિડેન્ટ તબિબો હડતાલમાં સામેલ થયા નથી. રાજકોટ મેડિકલ કોલેજના તબિબો પણ હડતાલથી અળગા રહ્યા છે.
રાજ્ય સરકારના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં ૨૦ ટકાનો વધારો થયો તે ૪૦ ટકા કરવાની માંગણી સાથે વિરોધ થઈ રહ્યો છે. ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોકટરોની માંગ છે કે વર્ષ ૨૦૦૯થી સ્ટાઇપેન્ડમાં ૪૦ ટકા વધારો મળતો હતો તેની જગ્યાએ હવે ૨૦ ટકા જ વધારો આપવામાં આવ્યો છે. હવે સ્ટાઈપેન્ડમાં વધારો ૩ વર્ષની જગ્યાએ ૫ વર્ષે થશે. જેનો ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોકટરો વિરોધ કરી રહ્યા છે.
આ મામલે જુનિયર્સ ડોકટર્સ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ શશાંક આશરાએ કહ્યું હતું કેઁરાજ્ય સરકારમાં ૨૫ વખત રજૂઆત કરી છે.પરંતુ સરકાર દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી.અમે પણ નથી ઈચ્છતા કે ઇમરજન્સી બંધ રાખીએ અને દર્દીઓ હેરાન થાય પરંતુ અમારી માંગણી ઘણાં સમયથી પૂરી થતી નથી જેના કારણે અમે વિરોધ કરીએ છીએ. બી.જે. મેડીકલના ૧૨૦૦થી વધુ તથા ગુજરાતના ૩૫૦૦ થી વધુ રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર રહેશે અને રાજ્યના ૩ હજારથી વધુ ઇન્ટર્ન ડોકટર પણ હડતાળ પર રહેશે તેવી જાહેરાત થઇ હતી.
પરંતુ આજે સોમવારે માત્ર ગાંધીનગર અને અમદાવાદના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબિબો જ હડતાલ પર હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ સહિતની મેડિકલ કોલેજોના તબિબો હડતાલથી દૂર રહ્યા છે. દરમિયાન એ પણ નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ઈન્ટન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મળતા સ્ટાઈપેડ થી ૨૦ ટકા જેટલો વધારો કરાયો છે. આમ છતાં જુનિયર ડોકટર્સ એસોસિએશન દ્વારા ૪૦ ટકા સ્ટાઈપેંડ વધારા માટે હડતાલ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઇ હતી. જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છ અને દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે. તેમ જણાવી સરકાર પણ આ ચીમકીને સાંખી નહિ લે તેવું જણાવાયું હતું.
સાચી હકિકત એ છે કે રેસીડેન્ટ તબીબોને દેશમાં સૌથી વધુ સ્ટાઈપેંડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે. ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસીડન્ટ તબીબોને અપાતું સ્ટેપેન્ડ સંપૂર્ણપણે ટેકસ ફ્રી છે, જ્યારે આ રેસીડન્ટ તબીબોને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ લાગે છે ટેકસ. રૂ. ૧ લાખ થી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસીડેન્ટ ડોકટરોને આપવામાં આવે છે. તેમાં પણ સરકારે ૨૦નો વધારો કરીને ૧,૩૦,૦૦૦ સુધીનું કર્યું છે.
દેશમાં અનેક રાજ્યોમાં ૪૦ હજારથી ૭૦ હજાર સ્ટાઈપેંડની સામે ગુજરાત માં રેસીડેન્ટ તબીબોને અપાતું સ્ટાઈપેંડ રૂ.૧ લાખથી વધુ છે. વધુમાં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ જેની સામે ગુજરાતમાં એક જ વર્ષના બોન્ડ છે. આ ઇન્ટર્ન અને રેસીડેન્ટ તબીબોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતા વધુ રકમ સ્ટાઇપેન્ડ રૂપે આ રેસીડેન્ટ તબીબોને અપાય છે. રેસીડેન્સી તબીબોને ભણાવતા પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી આ રેસિડેન્ટ તબીબોની માંગણી સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. તેમ સરકારના આરોગ્ય વિભાગના સુત્રોએ તબિબોની હડતાલની ચિમકી સામે જણાવ્યું હતું.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
