તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
નવસારી જિલ્લામાં ૧ થી સાડા ૬ ઇંચ ભારે વરસાદઃ વાંસદા તાલુકાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, 13 નાગિરકોને સ્થળાંતરિત કરાયા : પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાં જળસ્તર વધવાની સંભાવના : લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી
નદીની આસપાસ અને નિચાણવાળા વિસ્તારોમાં લાઉડ સ્પીકરના માધ્યમથી એનાઉન્સમેન્ટ કરી નાગરિકોને સલામત સ્થળે ખસી જઇ સહકાર આપવા સાવચેત કરાયા

નવસારી તા.૨ : આજરોજ વહેલી સવારથી નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની શરૂઆત થઇ ચુકી છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઇ પણ અગવડ ન પડે તેની પુરેપુરી તકેદારી રાખી કામગીરી કરી રહ્યું છે. વાંસદા તાલુકામાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા સરા ગામમાં ગામીત ફળિયામાં તથા ખંભાલિયા ગામના માછીવાડ વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતુ. વાંસદા તાલુકા તંત્રની સતર્કતાના પરિણામે આ ગામોના 13 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હતા.
આજે બપોર સુધી કેટલો વરસાદ વરસ્યો
આજે બપોરે 2 વાગ્યા સુધીમાં નવસારી જિલ્લામાં ખાબકેલા વરસાદ અંગેની વિગતો જોઇએ તો જિલ્લાના વાંસદા તાલુકામાં 6.2 ઇંચ, ખેરગામમાં 26 મિ.મી., ચીખલીમાં 22, ગણદેવીમાં 19, નવસારીમાં 17, જલાલપોરમાં 13 મિ.મી. વરસાદ વરસ્યો છે.
લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના
સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાં જળસ્તર વધવાની સંભાવના રહેતા નવસારી જિલ્લા તંત્ર સવારથી જ આગોતરી કામગીરીમાં વ્યસ્ત થઇ ગયું છે. જિલ્લાની ત્રણે નદીઓની આસપાસ અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી, સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જઇ સહકાર આપવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત જિલ્લાની બીલીમોરા નગર પાલિકા દ્વારા નદીની આસપાસ અને નિચાણવાળા વિસ્તારોમાં લાઉડ સ્પીકરના માધ્યમથી એનાઉન્સમેન્ટ કરી નાગરિકોને સલામત સ્થળે ખસી જઇ સહકાર આપવા સાવચેત કરાયા હતા.
ત્રણ નદીના જળ સ્તરમાં વધારો
જિલ્લામાં થઇ રહેલા સતત વરસાદ અને ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. તેમજ દિવસ દરમિયાન સ્થાનિક વરસાદમા વધારો થાય તો ત્રણેય નદીના જળ સ્તરમાં વધારો થઇ શકે છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. જેના પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીની આસપાસ અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહે, સાવચેત રહે અને સુરક્ષિત સ્થળે ખસી જવા લોકોને અપીલ કરાઈ છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
