<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે એક કલાકમાં અનરાધાર દોઢ ઇંચ ખાબક્યો: ગાંધીનગરમાં અડધો ઇંચ

ઓઢવ, વિરાટનગર, જમાલપુર, ખાડીયા, નિકોલ, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદની શરુઆત થઈ છે. સાંજે અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. સાંજ પડતા અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો 

અમદાવાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. રાત જેવું અંધારું સાંજના સમયે જોવા મળી રહ્યું છે અને ભારે પવન સાથે પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના સીટીએમ, ઓઢવ, વિરાટનગર, જમાલપુર, ખાડીયા, નિકોલ, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં ધાધમાર વરસાદ ખાબક્યો છે

સાંજે 5 વાગ્યાની આસપાસ ભારે પવન સાથે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદની શરૂઆત થઇ હતી. ગાજવીજ અને વિજળી કડાકા સાથે વરસાદ શરૂ થતાં અનેક વાહન ચાલકો રસ્તા પર ઉભા રહી જવું પડ્યું હતું. આ ઉપરાંત, થોડી જ વારમાં પૂર્વ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. રસ્તા પર પાણી ભરાઇ જતાં અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા

અમદાવાદમાં સૌથી વધુ નરોડામાં અઢી ઇંચ વરસાદ ઓઢવમાં બે ઇંચ, વિરાટ નગર અને મણીનગરમાં દોઢ ઇંચ ,વટવામાં સવા ઇંચ, નિકોલમાં એક ઇંચ ,મેમ્કોમાં એક ઇંચ, અને ચકુડીયામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત ગાંધીનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડવાનું શરૂ થતાં ટુ-વ્હીલર ચાલકોએ રસ્તા કિનારે ઉભા રહી જવાની ફરજ પડી હતી. 

(7:10 PM IST)