News of Tuesday, 3rd September 2024
લગ્નેતર સંબંધ ધરાવતી મહિલાને પતિને આપઘાતની દુષ્પ્રેરણા માટે દોષિત માની શકાય નહીં
પત્ની વિરૂદ્ધ સાસુએ નોંધાવેલી FIR રદ કરતો હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

અમદાવાદ,તા.૩: લગ્નેતર સંબંધ ધરાવતી પત્ની પતિની આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટે દોષિત ન હોઈ શકે એવો મહત્ત્વનો ચુકાદો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. ઉક્ત અવલોકન સાથે હાઇકોર્ટે આરોપી મહિલાની સાસુ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRને રદ કરી છે, જેમાં તેના અને તેના સાથી પર તેના પતિને આપઘાત માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે જો FIRને સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારવામાં આવે તો પણ, તે સ્થાપિત કરી શકાતું નથી કે મૃતકને આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપીનો કોઈ ઈરાદો હતો, જે મહિલાનો પતિ હતો. આ સાથે હાઇકોર્ટે આપઘાતની દુષ્પ્રેરણા માટેની ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ ૩૦૬ને દૂર કરવાનો આદેશ કર્યો છે.
પ્રસ્તુત કેસમાં જસ્ટિસ દિવ્યેશ એ. જોશીની સિંગલ બેન્ચે અવલોકન કર્યું હતું કે, આ કેસની FIRનીતમામ બાબતો જેમ છે તેમ સ્વીકારવામાં આવે, તો એવું કહી શકાય નહીં કે અરજદારોનો મૃતકને આપઘાત માટે ઉશ્કેરવાનો કોઈ ઈરાદો હતો. કોર્ટના મતે FIRમાં મૂકવામાં આવેલા આરોપોમાંથી ઉશ્કેરણીનું તત્વ ખૂટે છે અને આરોપોમાં ઉશ્કેરણીનું તત્વ ન હોય તો, કલમ ૩૦૬ IPC હેઠળનો ગુનો આકર્ષવામાં આવશે નહીં.
કોર્ટે કે. વી. પ્રકાશ બાબુ વિરુદ્ધ કર્ણાટક રાજયના કેસમાં સેટ કરેલા દાખલા પર આધાર રાખ્યો હતો, જયાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરેલું છે કે લગ્નેતર સંબંધમાં કોઇની સંડોવણી હોય તો એ કોઇને પણ IPCની કલમ ૩૦૬ હેઠળ દોષિત ઠરાવી શકે નહીં. અલબત્ત, છૂટાછેડા અથવા અન્ય વૈવાહિક રાહતો માટેનું કારણ એને ગણી શકાય. ઉપરોક્ત બાબતો પર આધાર રાખતા, કોર્ટે જણાવ્યું હતું કે,આરોપી નંબર ૧ (મહિલા)ની આરોપી નંબર ૨ સાથે લગ્નેત્તર સંબંધમાં સંડોવણી કલમ ૩૦૬ IPC હેઠળ દોષિત ઠરાવી શકે નહીં.
આ ચુકાદો બે જુદી જુદી અરજીઓના સંદર્ભમાં આવ્યો છે. જેમાં FIRને રદ કરવાની માગ કરવામાં આવી હતી. જેમાં અરજદારો પર IPCની કલમ ૩૦૬ અને ૧૧૪ હેઠળ સજાપાત્ર અપરાધોનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે ફરિયાદીના પુત્રએ તેની પત્નીના લગ્નેતર સંબંધની જાણ થતાં આત્મહત્યા કરી હતી. જેના કારણે તેણે પોતાનો જીવ લીધો હતો.
આ મામલે કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે, કોર્ટ ફરિયાદીની પીડા અને વેદનાથી વાકેફ છે, જે મૃતકની માતા છે. તે પણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મૃતકે પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ જીઓ વર્ગીસ (સુપ્રા) ના કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે તેમ, કોર્ટની સહાનુભૂતિ અને ફરિયાદીની પીડા અને વેદના, કાયદાકીય ઉપચારમાં પરિવર્તિત થઇ શકતી નથી. આ સાથે હાઇકોર્ટે અરજીઓને મંજૂર રાખી FIR રદ કરવાનો આદેશ કર્યો હતો.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
