<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

અમદાવાદમાં આખી રાત પડ્‍યો વરસાદ : ૫-૫ ફૂટ પાણી ભરાયા

ત્રણેક દિવસના વિરામ બાદ અમદાવાદમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્‍યો

અમદાવાદ, તા.૩: બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્‍ટમના કારણે ફરી એક વાર રાજ્‍યમાં ભુક્કા બોલવતો વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ ચાર-ચાર સિસ્‍ટમ સક્રિય હોવાને લીધે રાજ્‍યમાં મેઘો ભરપૂર જેવો ઘાટ સર્જાયો છે. આવામાં મધ્‍ય ગુજરાતમાં અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્‍યો છે. ખાસ કરીને, ગત આખી રાત વરસાદ પડ્‍યો છે. જેના કારણે શહેરના ઘણા વિસ્‍તારોમાં પાણી ભરાયા છે. તેમાં પણ ફરી એક વખત કઠવાડા વિસ્‍તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે.

અમદાવાદનો કઠવાડા વિસ્‍તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે.  જ્‍યાં GIDC સહિતના વિસ્‍તારોમાં ૫ ફૂટ પાણી જોવા મળ્‍યું છે. મધુમાલતી ફલેટ સહિત આસપાસના એસ્‍ટેટ વિભાગમાં પાણી જોવા મળ્‍યા છે. આવામાં સ્‍થાનિક લોકોએ તંત્રને ચીમકી આપી છે. જો ૩ વાગ્‍યા સુધી પાણી નહીં ઓસરે તો એસ. પી. રિંગ રોડ જામ કરવામાં આવશે.

ત્રણેક દિવસના વિરામ બાદ અમદાવાદમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્‍યો છે. રાત્રિ દરમિયાન કેટલાક વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ ખાબકયો છે. ખાસ કરીને પૂર્વ વિસ્‍તારોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. પૂર્વ વિસ્‍તારમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્‍તારોમાં પાણી ભરાઇ ચૂકયા હતાં. નિકોલ, નરોડા સહિતના વિસ્‍તારોમાં પાણી ભરાવવાની સમસ્‍યા જોવા મળી હતી. જેને લઇને લોકોમાં રોષ પણ ભભૂકયો છે. પાણી ભરાવવાના કારણે લોકોના વાહનો પણ બંધ થઇ ગયા હતાં.

આ સાથે જ અમદાવાદના વેજલપુરમાં દુર્ઘટના બની છે. એપાર્ટમેન્‍ટનો દાદર તૂટી પડતા લોકો ફસાયા હતા. ૨ બ્‍લોકના લોકો બિલ્‍ડીંગમાં ફસાયા હતા. ૧૬ મકાનમાંથી ૨૬ લોકોનું રેસ્‍કયુ કરાયું છે. પ્રહલાદનગર અને જમાલપુરની બે ટીમ રેસ્‍કયૂ કામગીરીમાં જોડાઈ છે.

વરસાદનો નવો રાઉન્‍ડ શરૂ થતાં અમદાવાદની હાલત દયનીય જોવા મળી રહી છે. નિકોલ, નરોડા, ગોતા સહિતના વિસ્‍તારમાં પાણી ભરાયા છે

(4:51 PM IST)