<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

સુરતના માંગરોળમાં 10 ઇંચથી વધુ વરસાદથી સર્વત્ર જળબંબોળ : :SDRFની ટીમે 12 ગામના 941 લોકોને સલામત સ્થળે ખસેડ્યા

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓના જળસ્તરમાં વધારો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સાંજે 6 વાગ્યા સુધીના બે દિવસ દરમિયાન માંગરોળમાં 263 મિ.મી (સવા 10 ઈંચ) જેટલો ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સિવાય ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. એવામાં SDRFની ટીમ દ્વારા માંગરોળ તાલુકાના 12 ગામના 941 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

માંગરોળ તાલુકાના લુવારા ગામમાંથી 192, સુરાલીના 110, વસરાવીના 80, લિંબાડાના 182 અસરગ્રસ્તોને લિંબાડાની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે. આ સિવાય ટીમ્બરવા અને હરસણી ગામના 3-3 અસરગ્રસ્તોય કનકવાડાના 135, નોગામાના 28, શાહના 60, ગોળીકૂઈ ગામના 35, ગીજરમના 109 અને ખરેડા ગામના 4 મળીને કુલ 941 જેટલા લોકોને તેમના સગા-સબંધીના ઘરે તેમજ પ્રાથમિક શાળા સહિતના સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યાં વહીવટી તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્તોને જમવા માટે સુવિધા પૂરી પાડવામાં આવી છે.

   અત્રે  ઉલ્લેખનીય છે કે, સુરત શહેર અને જિલ્લામાં ગઈકાલથી મેઘમહેર જોવા મળી રહી છે. આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં 105 મિ.મી. (4.13 ઈંચ), પલસાણામાં 77 મિ.મી. (3.03 ઈંચ), માંગરોળમાં 66 મિ.મી (2.60 ઈંચ), મહુવામાં 53 મિ.મી. (2.09 ઈંચ), માંડવીમાં 45 મિ.મી. (1.77 ઈંચ),સુરત શહેરમાં 39 મિ.મી (1.54 ઈંચ),બારડોલીમાં 38 મિ.મી (1.50 ઈંચ),કામરેજમાં 33 મિ.મી. (1.30 ઈંચ), ઓલપાડમાં 30 મિ.મી (1.18 ઈંચ),ચોર્યાસીમાં 13 મિ.મી (0.51 ઈંચ) વરસાદ વરસ્યો છે. જ્યારે માંગરોળમાં ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન 197 મિ.મી વરસાદ વરસ્યો હતો.

(7:38 PM IST)