તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
મોતિયાના ઓપરેશનમાં ગુજરાત દેશભરમાં મોખરે
૨૦૨૨-૨૩થી જુલાઇ ૨૦૨૪ સુધી અંદાજે ૧૪ લાખ ઓપરેશન દર ૧૦ લાખની વસ્તીએ ૧૦ હજારથી વધુ મોતિયાના ઓપરેશનનો દર

અમદાવાદ તા. ૪ : મોતિયાના ઓપરેશનમાં ગુજરાત દેશમાં આગળ છે. દર ૧૦ લાખની વસ્તીએ ૧૦ હજારથી વધુ મોતિયાના ઓપરેશનનો દર હાંસલ કરીને રાજય અગ્રેસર છે. રાષ્ટ્રીય નેત્ર જયોતિ અભિયાન હેઠળ, રાજયમાં ૨૦૨૨-૨૩ થી જુલાઈ-૨૦૨૪ સુધીમાં લગભગ ૧૪ લાખ સફળ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૨૨-૨૩માં ૧,૨૬,૩૦૦ ઓપરેશનના લક્ષ્યાંક સામે કુલ ૬,૩૬,૪૨૮ એટલે કે ૫૦૦ ટકાથી વધુ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતે ૧,૫૧,૭૦૦ના લક્ષ્યાંક સામે કુલ ૬,૧૦,૪૦૦ એટલે કે ૪૦૦ ટકાથી વધુ મોતિયાના ઓપરેશન કરીને દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ૧,૭૬,૯૦૦ ઓપરેશનના લક્ષ્યાંક સામે જુલાઈ ૨૦૨૪ સુધીમાં કુલ ૧,૫૨,૭૨૦ એટલે કે ૮૬ ટકા મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. છેલ્લા એક દાયકા દરમિયાન રાજયમાં દર વર્ષે સરેરાશ ૭ લાખ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. રાજયની તમામ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ માટે આધુનિક લેન્સ સાથે વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલમાં તેની કિંમત ૬૦ થી ૮૦ હજાર રૂપિયાની આસપાસ છે.
રાજય સરકારે ૨૦૨૨માં ‘મોતિયા અંધત્વ બેકલોગ મુક્ત ગુજરાત' અભિયાન શરૂ કર્યું હતું. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય છે. રાજયમાં કાર્યરત ૧૪૭૬ પ્રાથમિક, ૩૩૩ શહેરી, ૩૪૭ જૂથ આરોગ્ય કેન્દ્રો અને ૫૦ હજાર આશા વર્કરોમાં કાર્યરત તબીબી અધિકારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૧ પ્રાદેશિક ઓપ્થેલ્મોલોજી સંસ્થા, ૨૨ મેડિકલ કોલેજ, ૨૨ જિલ્લા, ૩૬ તાલુકા સ્તરની હોસ્પિટલો, ૧૨૮ સ્વૈચ્છિક સંસ્થાઓમાંથી કોઈપણ સાથે જોડાયેલું છે.
દરેક દર્દીની પ્રાથમિક નોંધણી, ઓપરેશન અને ફોલો-અપ માટે વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ઓપરેશન પછી, ફોલો-અપ ૪૦ દિવસ સુધી ૫ અંતરાલ પર કરવામાં આવે છે. ૩૯મો નેત્રદાન પખવાડિયું ૮મી સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવશે
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
