તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
૧૨ જિલ્લામાં એક જ દિવસમાં ૧૦ વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ :મોરબીમાં ૫૦ વર્ષ, દ્વારકામાં ૧૦૦ વર્ષમાં ન પડયો હોય તેવો આ ગાળામાં નોંધાયો
IITના રિસર્ચમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હી, તા.૪: ગુજરાતમાં ૨૦ થી ૨૯ ઓગસ્ટ દરમિયાન બારેય મેઘ ખાંગા થઈને વરસ્યા હતા. આ પૈકી ૩૩ માંથી ૧૨ જિલ્લામાં એક જ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે સરેરાશ ૧૦ વર્ષમાં આવું એક જ વાર બનતું હોય છે. આ ઉપરાંત મોરબીમાં ૫૦ વર્ષ, દ્વારકામાં ૧૦૦ વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ આ સમયગાળામાં નોંધાયો હતો તેમ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ગાંધીનગર દ્વારા કરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે.
ગત ૨૦ થી ૨૯ ઓગસ્ટ દરમિયાન કેટલો વધારે વરસાદ પડ્યો તેના અંગે આઈઆઈટી ગાંધીનગર ખાતે મશીન ઈન્ટેલિજન્સ એન્ડ રીસાયલન્સ લેબોરેટરી અભ્યાસ હાથ ધરાયો હતો. જેના અનુસાર ૧૭ જિલ્લામાં બે દિવસમાં કુલ એટલો વરસાદ પડ્યો જેટલો છેલ્લા ૧૦ વર્ષમાં પણ નહોતો. આ પૈકી જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં ૫૦ વર્ષમાં પણ ના પડ્યો હોય તેવો વરસાદ બે દિવસના સમયગાળામાં પડ્યો હતો. આ જ રીતે ૧૫ જિલ્લામાં ૩ દિવસમાં પડેલો વરસાદ છેલ્લા ૧૦ વર્ષ કરતાં વધુ છે. બીજી તરફ જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં ૩ દિવસના આ સમયગાળામાં ૫૦ વર્ષમાં પણ ના પડ્યો હોય તેટલો વરસાદ નોંધાયો હતો.આઇઆઇટી ગાંધીનગરના સિવિલ એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર-એમઆઈઆર લેબના મુખ્ય સંશોધક ઉદિત ભાટીયાએ જણાવ્યું કે, પૂરનું સંભવિત જોખમ ધરાવતા વિસ્તારમાં અણઘડ શહેરી વિકાસ, રસ્તાની ઊંચાઈમાં ફેરફાર કરવો, બેફામ શહેરીકરણ માટે ડ્રેનેજ લાઈન સાથે ચેડાં કરવા જેવી બાબતને કારણે પૂરનું સંકટ વધ્યું હોઈ શકે છે. પૂરની સ્થિતિમાં ડ્રેનેજ સિસ્ટમ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.
વડોદરાની વાત કરવામાં આવે તો ત્યાં આ સમયગાળામાં જેવી સમસ્યા સૌથી વધુ સર્જાઈ હતી. ત્યાં ૩ દિવસમાં જેટલો વરસાદ પડ્યો તેટલો ૧૦ વર્ષથી ઓછા સમયગાળામાં ભાગ્યે જ પડતો હોય છે. સંભવિત પૂરની સ્થિતિનો સામનો કરવા શહેરોએ ડ્રેનેજ સિસ્ટમ સુધારવાથી માંડીને આડેધડ શહેરીકરણ રોકવા જેવા વિવિધ પગલા લેવા પડશે
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
