<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

આમોદમાં અંધશ્રદ્ધાએ માસુમનો ભોગ લીધો :પુત્રને સાપ કરડતા દવાખાને લઈ જવાને બદલે ભુવા પાસે લઈ જવાયો: બાળકનું મોત

પિતા ભૂવા પાસે લઈ જતાં ઝેર શરીરમાં પ્રસરી ગયું, તરફડિયા મારીને માસૂમે દમ તોડ્યો

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામમાં અંધશ્રદ્ધાના કારણે એક માસૂમને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. જેમાં સર્પદંશથી પીડાતા બાળકને તેના પરિવારજનો હોસ્પિટલની જગ્યાએ મંદિરમાં ભૂવા પાસે લઈ ગયા હતા. જ્યાં સમયસર યોગ્ય સારવાર ના મળતા બાળકનું મોત થયુ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આમોદ તાલુકાના ભીમપુરા ગામમાં રહેતો અરૂણભા રાઠોડ (11) નામનો કિશોર ગત 2જી સપ્ટેમ્બરના રોજ રાતે સાડા 10 વાગ્યાની આસપાસ પોતાના ઘરની પાછળ આવેલા વાડામાં બાથરૂમ કરવા ગયો હતો. જ્યાં તેને ઝેરી સાપ કરડ્યો હતો.

બાદ તેની તબીયત લથડતા બાળકના પિતા કાંતિભાઈ રાઠોડ તેને હોસ્પિટલ લઈ જવાના બદલે ગામમાં આવેલા ભાથીજી મહારાજના મંદિરે લઈ ગયા હતા. જ્યાં મંદિરના ભૂવા સંજય રાઠોડે ઝેર ઉતારવા માટેની તાંત્રિક વિધિ કરીને ઘરે મોકલી દીધો હતો.

જો કે ધીમે-ધીમે સાપનું ઝેર આખા શરીરમાં પ્રસરી જતાં બાળકની તબીયત લથડવા લાગી હતી. જેથી બાળકને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.

આજે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં અરુણભા જીવિત હાલતમાં હતો. જ્યારે મંદિરના ભૂવા સંજય રાઠોડ તાંત્રિક વિધિ કરી રહ્યા હતા. આમ હોસ્પિટલમાં સારવાર કરવાના બદલે ભૂવા પાસે લઈ જવામાં આવતા બાળક તરફડિયા મારીને મોતને ભેટ્યો હતો. આ મામલે આમોદ પોલીસ મથકમાં બાળકના પિતા કાંતિભાઈ રાઠોડ તેમજ મંદિરના ભૂવા સંજય રાઠોડ વિરુદ્ધ BNS અધિનિયમની કલમ 105, 3(5) અંતર્ગત ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:43 PM IST)