હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રવિ પાકનું ચિત્ર ઉજળુઃ ઘઉં, ચણા, જીરૂ, લસણ પુષ્કળ પાકશે
વધારે વરસાદવાળા વિસ્તારોમાં ખરીફ પાક (કપાસ, ડુંગળી, મરચી)ને નુકશાનઃ મગફળીને વાંધો નથી જન્માષ્ટમી વખતના ધોધમાર વરસાદથી ડેમ, કૂવા છલોછલઃ રવિ પાકનું વાવેતર દિવાળી આસપાસ

રાજકોટ તા. ૬ :.. ગુજરાતમાં જન્માષ્ટમી વખતથી શરૂ થયેલા વરસાદે આખા રાજયનું પાણી અને ખેતીનું ચિત્ર બદલી નાખ્યુ છે. અમૂક વિસ્તારોમાં અતિવૃષ્ટિથી ખરીફ પાકને નુકશાન થયું છે પણ સાર્વત્રિક રીતે રવિ પાક માટેનું ચિત્ર ઉજળુ દેખાવા લાગ્યુ છે. ખેડૂતો માટે શિયાળુ પાક ખૂબ આશાસ્પદ બનશે. વાવેતરની ઉપજમાં પાણી, ખાતર, કુદરતી પરિબળો વગેરે ભાગ ભજવે છે.
સૌરાષ્ટ્રમાં ચોમાસાના ખરીફ પાક તરીકે મુખ્યત્વે મગફળી, કપાસ, ડુંગળી, મરચી વાવવામાં આવે છે. હમણા જે વિસ્તારોમાં વધુ પડતો વરસાદ થયો ત્યાં કપાસ, ડુંગળી, મરચી જેવા પાકને નુકશાન થયું છે. મગફળીમાં નુકશાન બહુ ઓછા વિસ્તારોમાં છે. મગફળીનો પાક તૈયાર થવા તરફ છે. સારા પ્રમાણમાં મગફળીની ઉપજ આવવાના એંધાણ છે. નવી માંડવી નવરાત્રીમાં બજારમાં દેખાવા લાગશે. સરકાર દર વર્ષે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદે છે.
તાજેતરના ધોધમાર વરસાદથી ડેમોમાં નવા નીર આવ્યા છે. ચેક ડેમો ઓવરફલો થઇ ગયા છે. કુવામાં એક વર્ષથી વધુ સમયનું પાણી આવી ગયું છે. શિયાળુ પાક માટે સંગ્રહિત પાણી મુખ્ય આધાર હોય છે. આ વખતે સિંચાઇ માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ થયું છે તો સીધો ફાયદો શિયાળે (રવિ) પાકમાં મળશે.
શિયાળામાં ઘઉં, ચણા, સૌથી વધુ પ્રમાણમાં વાવવામાં આવે છે. ઉપરાંત જીરૂ, ધાણા, લસણ, ડુંગળી, રાય, રાયડો વગેરેનું વાવેતર કરવામાં આવે છે. ખેડૂતો પોતાની અનુકુળતા અને જમીનની તાસીરને અનુરૂપ વાવેતર કરે છે. શિયાળુ વાવેતર દિવાળી આસપાસ શરૂ થઇ જાય છે. આ વખતે પાણીની નિરાંત થઇ ગઇ છે. અન્ય કુદરતી પરિબળો સાનુકુળ રહે તો શિયાળુ પાક મબલખ થવાની આશા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વરસે આજ સવાર સુધીમાં ગુજરાતમાં મોસમનો સરેરાશ ૧ર૦.૮૦ ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં ૧ર૮.૪૪ ટકા વરસાદ થઇ ગયો છે. હજુ વરસાદી વાતાવરણ છે. ઓગષ્ટના વરસાદથી નુકશાનના પ્રમાણમાં ફાયદો વધુ થયાનું કૃષિ વર્તુળોનું કહેવું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
