<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર; મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ સૌથી વધુ ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

છેલ્લા ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૨ ઇંચથી વધુ વરસાદ; જ્‍યારે મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો : ચાલુ મોસમમાં રાજ્‍યનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦ ટકાથી વધુ; સૌથી વધુ કચ્‍છ ઝોનમાં ૧૮૩ ટકાથી વધુ વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે જોર ઘટયું

રાજકોટ તા.૬: દક્ષિણ ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે જોર ઘટયું છે. સાથે જ, હાલ કચ્‍છ, સૌરાષ્‍ટ્ર ઝોન અને પૂર્વ-મધ્‍ય ગુજરાતમાં પણ વરસાદે વિરામ લીધું છે. જ્‍યારે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો છે. આ ઉપરાંત સાબરકાંઠાના પ્રાંતિજ અને ગાંધીનગરના માણસા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગત ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૨ ઇંચથી વધુ અને મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં એક ઈંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. જ્‍યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો છે.

તાલુકાની વાત કરીએ તો, બનાસકાંઠાના પાલનપુર અને ડિસા, પાટણના રાધનપુર, સાબરકાંઠાના હિંમતનગર, મહેસાણા તેમજ આણંદ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો છે. આ ઉપરાંત, રાજ્‍યની આશરે ૧૪ તાલુકામાં ૨ ઇંચથી વધુ, ૪૬ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૧૩૭ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્‍યના કુલ ૨૦૭ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદ ખાબકયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૦૬ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્‍યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦ ટકાથી વધુ નોંધાયો છે. કચ્‍છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૮૩ ટકા કરતા પણ વધારે અને ત્‍યારબાદ સૌરાષ્‍ટ્ર ઝોનમાં ૧૨૮ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૨ ટકા નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્‍ય ગુજરાતમાં ૧૧૬ ટકાથી વધુ, જ્‍યારે, ઉત્તર ગુજરાતમાં ૧૦૪  ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.(૯.ર૭)

 

 

(3:19 PM IST)