<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

ડીસામાં એક યુવકે સગીર પ્રેમિકાની જુદાઈ સહન નહીં થતા વીડિયો બનાવીને એસિડ ગટગટાવીને જિંદગી ટૂંકાવી લીધી

યુવકે અંતિમ પગલું ભરતા પહેલા પોતાના મોબાઈલમાં એક વીડિયોમાં ભારે હૈયે પોતાનો વલોપાત ઠાલવ્યો: ધમકી આપનારા ચાર લોકોની ધરપકડ

બનાસકાંઠાના ડીસામાં એક યુવકે પ્રેમિકાની જુદાઈ સહન ના થતાં એસિડ ગટગટાવીને જિંદગી ટૂંકાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવકે અંતિમ પગલું ભરતા પહેલા પોતાના મોબાઈલમાં એક વીડિયોમાં ભારે હૈયે પોતાનો વલોપાત ઠાલવ્યો હતો. જેના આધારે પોલીસે 4 ઈસમોની અટકાયત કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ડીસા તાલુકાના એક ગામમાં રહેતા ભરત નામના યુવકને પોતાના સમાજની જ સગીરા સાથે પ્રેમસબંધ હતો. આજથી એક વર્ષ અગાઉ ભરત સગીરાને લગ્નના ઈરાદે ભગાડી ગયો હતો.

 

આ મામલે સગીરાના પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેને ઝડપી પાડ્યા હતા. જે બાદ ભરતને જેલમાં ધકેલ્યો હતો, જ્યારે સગીરાને પાલનપુર સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવી હતી.

જેલમાંથી જામીન પર છૂટતા જ ભરતે નારી સંરક્ષણ ગૃહમાં જઈને પોતાની પ્રેમિકાને મળવાના પ્રયત્નો કરી જોયા હતા. જો કે સમાજના 4 વ્યક્તિઓ દ્વારા ભરતને અવારનવાર ધમકી આપવામાં આવતી હતી. જેઓ નારી સંરક્ષણ ગૃહમાં રહેલી યુવતીને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા.

જેથી ભરતે પોતાને તથા પ્રેમિકાને વારંવાર ધમકી આપીને પરેશાન કરનારા 4 ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરતો વીડિયો બનાવીને એસિડ ગટગટાવી લીધુ હતુ. જેથી તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બપોરે સારવાર દરમિયાન યુવકે હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો.

યુવકે અંતિમ પગલું ભરતા પહેલા પોતાના મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે ચાર લોકો દ્વારા તેને અને તેના પ્રેમને મારી નાંખવાની ધમકી મળતી હોવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મારો પ્રેમ નારી સંરક્ષણ ગૃહમાં દુ:ખી થઈ રહ્યો છે. હું તેને દુ:ખી જોઈ શકતો નથી. આથી મેં જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો છે. હાલ તો ડીસા તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને 4 ઈસમોને અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:32 AM IST)