<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ: બુટલેગરના પુત્રનો અપહરણ કેસ :તોડફોડના CCTV: પોલીસ જોઈને જતી રહી !!

કારનું ડિપર મારવા બાબતે બોલાચાલી થયા બાદ અપહરણ સુધીની ઘટના: પોલીસની ગાડીને જોઈને પણ જરા પણ ડર વિના તોડ-ફોડ કરી : પોલીસ કર્મચારીઓએ ગાડીમાંથી નીચે ઉતરવાની તસ્દી પણ ન લીધી !

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસનો જરા પણ ડર ન હોય તેવી ઘટના સામે આવી છે. આ મામલામાં એવા દ્રશ્યો સામે આવ્યા છે કે, આ લુખ્ખા તત્વોથી પોલીસ પણ કાંતો ડરી રહી છે અથવા તેમને છાવરી રહી છે. કારણે કુખ્યાત બુટલેગરના પુત્રના એટલે કે, કિશોર લંગડાના પુત્ર અજિતસિંહ રાઠોડનું અપહણ કરાયું હતું. કારનું ડિપર મારવા બાબતે બોલાચાલી થયા બાદ અપહરણ સુધીની ઘટના બની હતી. જે અપહરણની ઘટનાના CCTV સામે આવ્યા છે. જે કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો પોલીસ કામગીરી પર સવાલ ઉભા કરી રહી છે

    રાત્રે હોબાળો કરવા આવેલા શખ્સોના CCTVમાં કેદ થયા છે. કાર સહિત પાર્ક કરેલી બાઈકમાં શખ્સોએ તોડફોડ કરી હતી. સમગ્ર ઘટના દરમિયાન એક પોલીસ વાન નજીકથી પસાર થતી દેખાય છે. પરંતુ ટોળું વળીને આવેલા શખ્સો પોલીસની ગાડીને જોઈને પણ જરા પણ ડર વિના તોડ-ફોડ કરતા નજરે પડે છે. ખાસ વાત તો એ છે કે, પોલીસ કર્મચારીઓએ ગાડીમાંથી નીચે ઉતરવાની તસ્દી પણ ન લીધી ! આ સમગ્ર કેસમાં કૃષ્ણનગર પોલીસે ધમા બારડ સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધી નધુ કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાના CCTV વાયરલ થતાં તેમજ પોલીસ કામગીરી પર સવાલ ઉભા થતાં PCR વાનને લઈ તપાસના આદેશ અપાયા છે. ઝોન-4 DCP કાનન દેસાઈએ PCR વાન નરોડા અથવા કૃષ્ણનગર પોલીસમાંથી કોની હતી તેને લઈ વિગતો મંગાવી છે. ઘટનાસ્થળથી નીકળેલી PCR વાનના પોલીસકર્મીઓ મૂકપ્રેક્ષક બન્યા હતા. જેને લઈ પોલીસ પર ગંભીર સવાલો ઉઠી રહ્યાં છે.

(9:53 PM IST)