<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

સુરેન્દ્રનગરના થાનમાં તરણેતરના ભાતીગળ મેળાનો ભવ્ય પ્રારંભ

તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ સમગ્ર દેશમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે

 સુરેન્દ્રનગર, તા.૮,

કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ થયો છે. ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગીરીશ પંડ્યા સહિતના મહાનુભાવોએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો.  તરણેતર લોકમેળાને ખુલ્લો મુક્યા બાદ જિલ્લા કલેકટર કે.સી.સંપટે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક વિરાસતનો સમૃધ્ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ સમગ્ર દેશમાંથી અનેક શ્રધ્ધાળુઓ આવે છે. આ લોકમેળાનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારનું સુચારુ આયોજન કાર્ય કરવામાં આવ્યું છે.તેમણે ઉમેર્યું હતુ કે, આ મેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણીનું, કલાકારો માટે કલાના પ્રદર્શનનું અને હળવા મળવાનું, ફરવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે.

ત્રિનેત્રેશ્વર મહાદેવના પુજન–અર્ચન બાદ ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર કે.સી.સંપટ સહિતના મહાનુભાવોએ કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા વિકસિત ભારત જ્ર૨૦૪૭ વિષય સાથે યોજાયેલા મલ્ટીમીડિયા પ્રદર્શન તેમજ પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પશુ પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લા મુકયા હતા. આ પ્રસંગે ચોટીલા આસિસ્ટન્ટ કલેકટર કલ્પેશ શર્મા, પ્રાંત અધિકારી સર્વ નિકુંજ ધૂળા, કુલદીપ દેસાઈ, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા, અગ્રણી કાનભા, વિજયભાઈ ભગત સહિત સંબધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૮થી પશુ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે રૂ.૩૭.૯૧ લાખનાં ૨૨૧ ઈનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે. આ પશુ પ્રદર્શનમાં 'ચેમ્પિયન ઓફ ધ શો'ને રૂ.એક લાખનું ઇનામ આપવામાં આવે છે.સુરેન્દ્રનગર જિલ્લાનાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકે આકર્ષણ જમાવ્યું છે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી રમતવીરો પોતાનું દમખમ બતાવવા ઉમટ્યા હતા. આ ગ્રામીણ ઓલિમ્પિકમાં દેશી રમતો જેમ કે, નાળિયેર ફેંક, વોલીબોલ, માટલા દોડ, કબડ્ડી, રસ્સાખેંચ, દોરડા કૂદ, લાંબી કૂદ સહિતની વિવિધ રમતો રમાડવામાં આવે છે. તાપી, રાજકોટ, મોરબી સહિતના રાજ્યભરના અનેક ખેલાડીઓ પોતાનું કૌશલ્ય ઝળકાવવા તરણેતરના મેળામાં આવ્યા હતા

(2:55 PM IST)