<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

વરસાદી પાણીના ધસારાથી દહેગામના નાની માછગ ગામ નજીકનું નાળું તૂટ્યું

વરસાદના વિરામ બાદ નાળાનું સમારકામ થશે, કલેક્ટરે તાકિદ કરતાં તંત્ર દોડતુ થયું

 ગાંધીનગર, તા.૮,

દહેગામ તાલુકા સહિત જિલ્લામાં વરસાદ સતત પડી રહ્યો છે. તે દરમિયાન દહેગામથી નાની માછગ ગામ તરફ જવાના માર્ગ ઉપર આવેલું નાળું વરસાદી પાણીની વઘુ આવક થવાના કારણે તૂટી ગયું હતું. તેના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જો કે વરસાદ ચાલુ રહેશે તો બે દિવસ સુધી નાળાનું સમારકામ શક્ય ન હોવાથી ગામના બાળકોને શાળાએ જઇ શકશે નહીં.

નાની માછગ ગામ નજીક નાળું તૂટી ગયુ હોવાની જાણ થતાં જિલ્લા કલેકટર મેહુલ દવેએ સૂચના આપતા ગાંધીનગર પ્રાંત અધિકારી બ્રિજેશ મોડિયા અને માર્ગ- મકાન વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ આ તૂટલા નાળાના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા. સ્થળ મુલાકાત બાદ બ્રિજેશ મોડિયાએ જણાવ્યું હતું કે, નાની માછગ ગામ નજીક આવેલું નાળુ વઘુ પાણીની આવક થવાના કારણે તૂટી ગયું છે. નાળું અડધુ તૂટેલું છે. જેથી સ્થાનિક લોકોને પગપાળા આવન-જવાન કરવામાં તકલીફ પડશે નહીં, પણ આ નાળા ઉપરથી ટુ કે ફોર વ્હીલર વાહનોની અવર- જવર શકય ન હોવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે.  વધુમાં જણાવ્યું છે કે, શનિવારે વરસાદ વિરામ લેશે તો નાળાનું સમારકામ શરૂ કરવામાં આવશે. પણ જો વરસાદ ચાલુ રહેશે તો નાળાનું રીપેરીંગ કામ કરી શકાશે નહીં. તેમણે ગ્રામજનોને કહ્યુ હતું કે નાળું રીપેરીંગ ન થાય ત્યાં સુઘી ગામના બાળકોને શાળાએ ન મોકલતાં. તેમણે કહ્યું કે ગામ ઉંચાઇ પર આવેલું હોવાથી વધુ વરસાદ આવે તો પણ ગામમાં પાણી ભરાઇ જવાની શકયતા નથી.

 ગ્રામજનોને વરસાદી માહોલમાં રાશનની તકલીફ ન પડે તે માટે યોગ્ય રાશન કિટૂસ ની વ્યવસ્થા પણ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. ગામમાં બોર હોવાથી પીવાના પાણીની કોઇ તકલીફ થાય તેમ નથી.

(3:49 PM IST)