<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

સુરતની ઘટનાને પગલે રાજકોટ પોલીસ સતર્કઃગણેશ પંડાલના આયોજકો સાથે પોલીસ કમિશનર ઝાની બેઠકઃ ડીસીપી-એસીપી પેટ્રોલીંગ કરશે

રાતથી જ શહેરભરમાં પેટ્રોલીંગઃ સંવેદનશીલ વિસ્‍તારોમાં તાકીદે ફરી વખત શાંતિ સમિતીની બેઠકો યોજવા અસામાજીક તત્‍વો સામે તુરંત પગલા લેવા સુચના : ઇદનો તહેવાર પણ આવી રહ્યો હોઇ તમામ પીઆઇ સાથે અલગથી બેઠક યોજી પોતપોતાના વિસ્‍તારોમાં કડક પેટ્રોલીંગ કરવા અને સતત વોચ રાખવા તેમજ પોલીસ લોકોની સાથે છે તેવો વિશ્વાસ પ્રસ્‍થાપિત થાય તેવી કામગીરી કરવા બ્રજેશ ઝાએ સુચના આપીઃ જોઇન્‍ટ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયાએ વિગતો જણાવી : શહેરમાં ૩૨૩ ગણપતિના પંડાલો પર સતત પેટ્રોલીંગ રાખવા કડક સુચના

સુરતમાં ગણપતિજીના પંડાલ પર પથ્‍થરમારા બાદ અશાંતિ સર્જાતા તેના પગલે રાજકોટ શહેર પોલીસ સતર્ક બની ગઇ છે. પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ ગણપતિ પંડાલના આયોજકો સાથે બેઠક યોજી મહત્‍વની સુચના આપી હતી. ત્‍યારબાદ પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં જરાપણ કચાશ ન રહી જાય તે ધ્‍યાન રાખવા અને ગણપતિ ઉત્‍સવ, તેમજ ઇદના તહેવારની શાંતિપુર્ણ ઉજવણી થાય તે રીતે કામગીરી કરવા સુચનાઓ આપી હતી. બેઠકમાં પંડાલના આયોજકો, પોલીસ અધિકારીઓ, પોલીસ કમિશનર બ્રજેશ ઝા, તમામ ડીસીપી, તમામ એસીપી, તમામ પીઆઇ અને ઇન્‍સેટમાં  વિગતો જણાવતાં જોઇન્‍ટ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયા જોઇ શકાય છે

 

રાજકોટ તા. ૯: સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્‍થરમારો થયા બાદ અશાંતિનો માહોલ સર્જાઇ જતાં રાજકોટ શહેર પણ આ ઘટનાને પગલે સતર્ક થઇ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ગત રાતે જ શહેરભરમાં પેટ્રોલીંગ શરૂ કરાવી દીધુ હતું. શહેરમાં ગણપતિ મહોત્‍સવની સાથે સાથે આગામી દિવસોમાં ઇદની પણ ઉજવણી થવાની હોઇ સુલેહશાંતિનો ભંગ ન થાય અને કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તેમજ લોકો શાંતિપુર્વક હર્ષોલ્લાસથી પોતપોતાના ધાર્મિક તહેવાર ઉજવી શકે તે માટે શહેરભરની પોલીસને કડક બની સતત સતર્ક રહેવા સુચના આપી છે. રાત્રીના સમયે જે તે પંડાલના આયોજનો સ્‍થળે ડીસીપી અને એસીપી જાતે જે તે વિસ્‍તારના પીઆઇ સાથે રહી પેટ્રોલીંગ કરશે તેવી સુચના આપી છે.

જોઇન્‍ટ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયાએ જણાવ્‍યું હતું કે આજે સવારે પોલીસ કમિશનર ઝાએ શહેરના ૩૨૩ જેટલા ગણપતિ પંડાલના આયોજકો સાથે તાકીદની બેઠક યોજી હતી અને તેમને કાયદો વ્‍યવસ્‍થા, જાહેરનામા સહિતની જીણવટભરી સુચનાઓ ફરીથી અપાઇ હતી. ગણપતિ ઉત્‍સવ, વિસર્જન, મડપ બાબતે, ઇદનો તહેવાર આવતો હોઇ તેના જુલુસ વખતે કોઇપણ પ્રકારનું મનમુટાવ કે કલેશ ન થાય તે ધ્‍યાનમાં રાખવા સુચનો આપ્‍યા હતાં. આયોજકો તરફથી પણ પોલીસને અમુક રજૂઆતો થઇ હતી. આયોજકો સાથેની મીટીંગ પુરી થયા પછી તમામ પોલીસ સ્‍ટેશનના પીઆઇ સાથે બેઠક યોજાઇ હતી. પોલીસ કમિશનરશ્રી ઝાએ તમામ અધિકારીઓને સુચના આપી હતી કે પોતપોતાના વિસ્‍તારમાં ગણપતિ પંડાલના આયોજનો સ્‍થળે રાત સુધી પેટ્રોલીંગ રાખવું, પોલીસ સ્‍ટેશન, ફિલ્‍ડ વિસ્‍તારમાં પોલીસ અધિકારીઓ, સ્‍ટાફની હાજરી રહેવી જોઇએ.

આ ઉપરાંત પોલીસ કમિશનરશ્રીએ ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓને પણ પોતપોતાના વિસ્‍તારમાં જે તે પોલીસ સ્‍ટેશનના પીઆઇ અને ટીમો સાથે રહી દરેક પંડાલો સુધી પહોંચવા, સતત પેટ્રોલીંગ રાખવા, ત્‍યાંના વડિલો, દરેક સમાજના લોકોને મળીને સતત સંપર્કમાં રહીને પોલીસ સતત તેમની સાથે છે તેવો અહેસાસ કરાવવા જણાવ્‍યું હતું. ગત રાતથી પોલીસ કમિશનરશ્રી ઝા દ્વારા શહેરભરમાં પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું હતું અને ખુદ તેઓ આ પેટ્રોલીંગનું મોનીટરીંગ કરી રહ્યા હતાં.

ડીજીપી પણ આજે બપોર બાદ તમામ શહેર જીલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્‍ફરન્‍સથી બેઠક યોજી મહત્‍વની સુચના આપશે. તેનો અમલ કરવામાં આવશે. શ્રી બગડીયાએ જણાવ્‍યું હતું કે શહેરના તમામ વિસ્‍તારમાં પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે. સંવેદનશીલ વિસ્‍તારોમાં આમ તો અગાઉથી જ કાર્યવાહી થઇ ચુકી છે. ડ્રાઇવ યોજવામાં આવી હતી. બાઇક પેટ્રોલીંગ પણ થઇ રહ્યું છે. ફૂટ પેટ્રોલીંગ મારફત પોલીસ જવાનો શેરીઓ ગલીઓ સુધી પહોંચે અને જરાપણ કચાશ સંવેદનશીલ વિસ્‍તારોમાં ન રહે તેનું ધ્‍યાન રાખવા અને ફરીથી આવા વિસ્‍તારોમાં શાંતિ સમિતીની બેઠક યોજવા તેમજ આવા વિસ્‍તારમાં જો કોઇ અસામાજીક તત્‍વો હોય તો પગલા લેવા અને લોકોમાં પોલીસની હાજરીનો અહેસાસ કરાવવા, લોકોને પોલીસ પર ભરોસો કાયમ રહે તેવી કાર્યવાહી કરવા સુચના પોલીસ કમિશનર દ્વારા અપાઇ છે.

(7:05 PM IST)