<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

દીવમાં હોટેલમાં ડીજેના તાલ પર નાચતી ડાન્સર્સ પર રૂપિયા ઉડાડી મુજરાની મોજ માણતા ભાજપના નેતાઓ સહીત 11 લોકોની ધરપકડ

આઠ મહિલા અને એક ટ્રાન્સઝેન્ડરની હાજરીમાં ચાલતી પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડયો :દારૂ,બિયર તથા રોકડ સહિતના મસમોટા જથ્થો ઝડપી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી

દીવ : કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આવેલી હોટેલ તુલિપમાં ડીજેના તાલ પર નાચતી ડાન્સર્સ પર રૂપિયા ઉડાડી મુજરાની મોજ સાથે રંગરેલિયા મનાવતાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખના સાળા અને મહુવા નગરપાલિકાના ભાજપના નગરસેવક, અન્ય એક નગરસેવકના પિતા તથા મહુવા તાલુકા ભાજપના ઉપપ્રમુખ, જેસરના પૂર્વ સરપંચ  સહિત 11 શખસો પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

   આઠ મહિલા અને એક ટ્રાન્સઝેન્ડરની હાજરીમાં ચાલતી આ પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડયો હતો. દારૂ,બિયર તથા રોકડ સહિતના મસમોટા જથ્થો ઝડપી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જયારે, આ બનાવની જાણ વાયૂવેગે ભાવનગર પંથકમાં થતાં ભાવનગર જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.  

  ભાવનગર જિલ્લા ભાજપના રાજકારણમાં ખળભળાટ મચાવતાં અને દીવ પોલીસ દફતરે નોંધાયેલાં બનાવની વિગત મુજબ ગત 6 સપ્ટેમ્બરે શુક્રવારના રોજ રાત્રિના સુમારે દીવ પોલીસની ક્રાઈમ ટીમને બાતમી મળી હતી કે, દીવમાં આવેલી એક મસ્જિદ પાસે આવેલી હોટેલ તુલિપમાં ગેરકાયદે અશ્લિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસ કાફલાએ દરોડો પાડતાં હોટેલમાં ડીજેના મોટા અવાજ સાથે ચાલતાં નાચગાન-પાર્ટીમાં આશરે આઠ મહિલાઓ દ્વારા અશ્લિલ નૃત્ય પ્રદર્શન પીરસતી હતી. અને 10થી વધુ પુરૂષો તેમના પર રૂપિયાનો વરસાદ કરી રહ્યા હતા. 

    પોલીસને જોઈ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પર હાજર 11 પુરૂષો, 8 મહિલા અને એક ટ્રાન્સઝેન્ડરને રાઉન્ડઅપ કર્યા હતા. સાથે જ પોલીસે સ્થળ પરથી દારૂ, બિયર તથા રોકડા રૂ.40,640 સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.પોલીસે હોટેલમાં હોટલમાં દારૂ રાખવા અને નૃત્ય કરવા માટેની પરવાનગી કે પરમીટ માંગી હતી. જેમાં હોટેલના મેનેજરે હોટલ પાસે અશ્લિલ પ્રવૃત્તિઓ અને દારૂ માટે કોઈ પરમિટ ન હોવાનું જણાવ્યું હતું. જેના આધારે દીવ પોલીસે ગત 7 સપ્ટેમ્બરે ભાવનગર-મહુવા પંથકના સાત સહિત 11 શખસો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે,  આ રંગેલિયામાં ઝડપાયેલાં 11પૈકી કિરણ લિંબાભાઈ રાઠોડ (ઉ.વ.33)( રહે. શાંતિનગર, મહુવા) રાજ્યના પૂર્વ મંત્રી, મહુવાના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આર. સી. મકવાણાનો સાળો તથા મહુવા નગરપાલિકામાં વોર્ડ નં.7નો ભાજપનો નગરસેવક હોવાનું ખુલતાં સ્થાનિક ભાજપના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

 તેની સાથે ઝડપાયેલાં અન્ય એક શખસ હિંમત ચકરભાઈ મકવાણા (રહે.કુંભારવાડા,મહુવા) હાલ મહુવા તાલુકા ભાજપના ઉપપ્રમુખ તથા મહુવા નગરપાલિકાના પૂર્વ નગરસેવક હોવાનું ખુલ્યું છે. હાલ તેના પુત્ર પણ ભાજપનો નગરસેવક હોવાનું સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળેલ છે. સાથે જેસરના પૂર્વ સરપંચ રાજા નાગજીભાઈ ઝાલા પણ આ દોરાડામાં ઝડપાયા હતા. 

આ બનાવે અંગે પોલીસ કાર્વાહીનો વીડિયો ભાવનગર જિલ્લાના વિવિધ ગ્રુપમાં વાયરલ થતાં ભાવનગર જિલ્લા ભાજપના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ, આ બનાવમાં ખુદ જિલ્લા પ્રમુખના સાળા સહિતના ઝડપાયા હોય જિલ્લા ભાજપ સંગઠન કે મોવડી મંડળ જવાબદારો વિરૂદ્ધ પગલાં લેશે કે કેમ? તે મુદ્દે ભાજપમાં છાનાખૂણે ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

હોટેલમાંથી (1) સિકંદર સલિમભાઈ કુરેશી (રહે.રાબેરી રોડ, દીવ) (2) મુકેશ અમરસિંઘ સોલંકી (રહે. મચ્છીવાડા, દીવ) (3) મનોજ શામજીભાઈ કાપડિયા (રહે. બેડીપરા, રણછોડનગર, રાજકોટ) ( 4) ઈરફાન હરિફભાઈ શેખ (રહે.રૈયાધાર,શાંતિનગર ચોક, રાજકોટ) (5) કિરણ  લિંબાભાઈ રાઠોડ(રહે.શાંતિનગર,મહુવા,જિ.ભાવનગર) ( 6) અરૂણ રેવાશંકર જોષી (રહે.નેસવડ, તા.મહુવા, જિ.ભાવનગર) (7) રાજા નાગજીભાઈ ઝાલા (રહે.ગાયના ગોંદરા પાસે, જેસર, જિ.ભાવનગર) (8) અકિલ અનિશહુસૈન નકવી(રહે.ભાદ્રોડ ગેટ,મહુવા, જિ.ભાવનગર) (9) ભાવેશ અકાભાઈ પરમાર(રહે.ભાદ્રોડ, મહુવા,જિ.ભાવનગર) (10) હિંમત ચકરભાઈ મકવાણા (રહે.કુંભારવાડા, મહુવા, જિ.ભાવનગર) (11) હિતેષ વલ્લભભાઈ આહીર (રહે.ઓથા, મહુવા, જિ.ભાવનગર) 

 

પોલીસે સ્થળ પરથી બિયરના ખાલી અને ભરેલાં કેન, વ્હાઈટ વ્હીસકીની બોટલો, એક લેપટોપ, એક સ્પીકર, એક મિક્સચર, એક માઈક્રોફોન, એક ડિસ્કોલાઈટ તથા રોકડ રૂ.40,640 ના મૂલ્યની ભારતીય ચલણની વિવિધ ચલણી નોટ કબજો કરી હતી.

(7:07 PM IST)