<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

કોંગ્રેસ દ્વારા વડોદરામાં જન આક્રોશ રેલી: મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા : સરકાર સામે રોષ ઠાલવ્યો

જન આક્રોશ રેલીમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક અને વિપક્ષ નેતા અમિત ચાવડા સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા: પૂરગ્રસ્ત લોકોને હજુ સુધી સહાય ના ચૂકવાઈ હોવાના આક્ષેપ સાથે સયાજીનગરથી કલેક્ટર કચેરી સુધી રેલી

વડોદરામાં પૂરના પાણી ઓસરી ગયા બાદ જનજીવન થાળે પડી ગયું છે, પરંતુ આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ ભાજપને ઘેરવાની એકપણ તક ચૂકવા નથી માંગતુ. આજે કોંગ્રેસ દ્વારા વડોદરામાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં પૂર પીડિતો જોડાયા હતા, જેમણે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

તાજેતરમાં જ પૂરના કારણે વડોદરાવાસીઓમાં સરકાર સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જઈ રહેલા ભાજપના નેતાઓનો લોકો રીતસરનો ઉધડો લઈ રહ્યા છે. અનેક સોસાયટીઓમાં તો ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. એવામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કર્યું છે. પૂરગ્રસ્ત લોકોને હજુ સુધી સહાય ના ચૂકવાઈ હોવાના આક્ષેપ સાથે સયાજીનગરથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

 

કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક અને વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડા સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ બોટ લઈને પહોંચ્યા હતા.

આ તકે અમિત ચાવડાએ જણાવ્યું કે, સરકારે જે સહાયની જાહેરાત કરી છે, તે માત્ર લૉલિપૉપ છે. સરકારે પહેલા યોગ્ય સર્વે કરવો જોઈએ, કારણ કે માલ-મિલકતને મોટું નુકસાન થયું છે. લાખો-કરોડોના નુકસાન સામે હજારોની સહાય માત્ર મજાક છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, 11 મૃતકોને 25 લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ. આ સાથે NGTના આદેશનો અમલ થવો જોઈએ અને નદી પરના ગેરકાયદેસર દબાણ હટાવવા જોઈએ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન લોકોને પૂરથી બચવા દોરડા અને ટ્યૂબ રાખવાનું કહી રહ્યા છે, જે લોકો સાથે મજાક છે. ભાજપના નેતાઓને શરમ આવવી જોઈએ, પરંતુ તેઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે.

બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું કે, આજે વડોદરાએ મોદીને વડાપ્રધાન બનાવીને દિલ્હી મોકલ્યા હતા. જો કે હવે તેઓ વડોદરાવાસીઓને ભૂલી ગયા છે. લોકોની તમામ વસ્તુઓ પાણીમાં વહી ગઈ હોવા છતાં સરકારે દરકાર ના લીધી. યોગ્ય સર્વે નથી થયો, જેના કારણે સાચા અસરગ્રસ્તો સહાયથી વંચિત રહેશે. ગુજરાતમાં ભાજપનું 30 વર્ષથી શાસન છે. આમ છતાં વડોદરાને પૂરના પાણીથી બચાવવા માટે સરકાર કઈ જ નથી કરી શકી. 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છતાં સરકારે કોઈ સહાય જાહેર ના કરી, તે મોટી કમનસીબી છે.

(8:53 PM IST)