<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

સુરત :રિક્ષાનું સ્ટીયરિંગ વિદ્યાર્થીને પકડાવી દેનાર રિક્ષા ચાલકને પોલીસે ઝડપી લીધો

વિડિઓ વાયરલ થતા પોલીસે તાબડતોડ કાર્યવાહી કરીને રિક્ષા ચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત  શહેરમાં ડ્રાઇવરની બાજુમાં બેસી રિક્ષા ચલાવતા વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સુરતના ડીંડોલી વિસ્તારનો હોવાનું બહાર સામે આવ્યું હતુ. જેના આધારે પોલીસે તાબડતોડ કાર્યવાહી કરીને રિક્ષા ચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રિક્ષામાં ડ્રાઈવરે સ્કૂલ ડ્રેસમાં રહેલા વિદ્યાર્થીને પોતાની સાથે આગળ બેસાડીને રિક્ષાનું સ્ટીયરિંગ પકડાવી દીધું હતું. જે બાદ વિદ્યાર્થી રિક્ષા ચલાવતો જોવા મળ્યો હતો.  

આટલું જ નહી રિક્ષામાં પાછળની સીટમાં અન્ય સ્કૂલ ડ્રેસમાં બાળકી સહિતના લોકો પણ બેઠા હોવાનું દેખાઈ રહ્યું હતું. આ વીડિયો ડીંડોલી વિસ્તારના નામે વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસે વાયરલ વીડિયોની ખરાઈ કરતા તે 9 સપ્ટેમ્બરના બપોરના બારેક વાગ્યાના અરસાનો સુરતના ડીંડોલી બસ સ્ટેન્ડ ઓવરબ્રિજ ખાતેનો હોવાનું બહાર આવ્યું હતું. તેમજ આ ઘટનામાં ડીંડોલી પોલીસે ઓટોરિક્ષાના ચાલક દગડુ ગોરખ ધનગર (50)ની પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(10:31 PM IST)