News of Saturday, 14th September 2024
નગરપાલિકા વિસ્તારોમાં તા.૩૦ સુધીમાં ખાતમૂહુર્તો અને લોકાર્પણો થઇ શકે તેવા કામની માહિતી માંગતી સરકાર
૮૦ નગરોમાં ચૂંટણી નજીક આવી રહયાનો સંકેત

રાજકોટ, તા., ૧૪ : રાજય સરકારે નગરપાલિકા વિસ્તારોમાં તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં વિકાસકામોનું ખાતમુહુર્ત અથવા ઉદઘાટન થઇ શકે તેવા કામોની યાદી સ્થાનિક તંત્ર પાસેથી મંગાવ્યાનું જાણવા મળે છે. જયાં દિવાળી આસપાસ ચુંટણી આવવા પાત્ર છે તેવી નગરપાલિકાઓમાં લોકાર્પણો અને ખાતમુહુર્તો ઝડપથી કરવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. આચારસંહિતા લાગુ પડતા પુર્વ જશ ખાટવાનો સરકારનો પ્રયાસ છે.
રાજયમાં ૮૦ જેટલી નગરપાલિકાઓમાં સામાન્ય ચુંટણીના પડઘમ સંભળાઇ રહયા છે. દિવાળી પછી ચુંટણી આવે તેવા સંજોગો છે. મતદાનના દિવસ પુર્વે એકાદ મહિને આચારસંહિતા લાગુ પડતી હોય છે. જે નગરપાલિકાઓમાં વિકાસકામો ચાલુ છે તેને ઝડપથી પુરા કરાવી સરકાર લોકાર્પણો કરાવવા માંગે છે. જયાં વિકાસકામોની સંભાવના છે. ત્યાં સત્વરે વહીવટી પ્રક્રિયા પુર્ણ કરી ખાતમુહુર્તો કરવાની તૈયારી કરવાની સુચના છે. સરકાર તા.૩૦ સુધીમાં પ્રસિધ્ધલક્ષી નવા વિકાસકામો ચાલુ કરવા માંગે છે અને વિકાસ કામો ચાલુ છે ત્યાં ઉદઘાટન કરવા માંગે છે. વિકાસકામોને સ્પર્શતા કાર્યક્રમોનો સીલસીલો શરૂ થશે. ઓકટોબરમાં ચુંટણી જાહેર થાય તેવી શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રાજયમાં ૧પ૬ નગરપાલિકાઓ છે. તે પૈકી ૮ નગરોને સરકારે મહાનગરનો દરજ્જો આપવાનું જાહેર કર્યુ છે. જેમાં પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ વગેરેનો સમાવેશ થાય છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
