<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th September 2024

સરદાર સરોવર બંધમાં જળસ્તર 136 .3 મીટરને પાર પહોંચ્યું :નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે ચેતવણી અપાઈ

ડેમમાં સરેરાશ 4.37 લાખ ક્યુસેકથી વધુ પાણી આવ્યું:3.45 લાખ ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી

અમદાવાદ :મધ્ય પ્રદેશના જળ સંગ્રહ વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો હોવાથી સરદાર સરોવર બંધમાં જળસ્તર શનિવારે 136.3 મીટર પહોંચી ગયું હતું. આ રીતે પોતાના જળસ્તરથી પાણીનું સ્તર ફક્ત 2 મીટર ઓછું છે.બંધમાંથી આશરે 3.5 લાખ ક્યુસેક પાણી વહી રહ્યું હોવાથી અધિકારીઓએ ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ના અધિકારીઓએ કહ્યું કે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર બંધમાં પાણીનું પ્રમાણ વધીને 136.43 મીટર થઈ ગયું છે, જે આ સિઝનમાં સૌથી વધારે છે. બંધમાં પાણીનું સ્તર 138.68 મીટર છે.

SSNNL પ્રમાણે તાજેતરના સમયમાં ડેમમાં સરેરાશ 4.37 લાખ ક્યુસેકથી વધુ પાણી આવ્યું છે, જેના કારણે અધિકારીઓને લગભગ 3.45 લાખ ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી છે.ભરૂચ કલેકટરે શુક્રવારે રાત્રે નર્મદા નદીની નજીકના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીનાં પગલાં લેવા વિનંતી કરી હતી કારણ કે ડેમમાંથી પાણી છોડવાને કારણે નર્મદા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે.

કલેક્ટર તુષાર સુમેરાએ તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે,હાલમાં સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 3.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને નર્મદા 20.20 ફૂટના સ્તરે વહી રહી છે. આ ચેતવણી સ્તર (22 ફૂટ)ની નજીક છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવે છે.

(12:56 AM IST)