News of Tuesday, 17th September 2024
વડોદરામાં પહેલીવાર ગણેશ વિસર્જન દરમિયાન કુત્રિમ તળાવ પર વન વિભાગની ટીમ રહેશે તૈનાત:મગર સામે રક્ષણ આપશે
નવલખીના કુત્રિમ તળાવ ખાતે વન વિભાગના કર્મચારીઓ સહીત 10 વોલિયેન્ટર્સની ટીમ સ્ટેન્ડ બાય રહેશે:ટીમ સાથે પાંજરા અને અન્ય સંસાધનો પણ તૈયાર રાખ્યા:વન વિભાગની ટિમ સાથે અન્ય એનજીઓના સ્વયંસેવકો પણ જોડાયા

વડોદરામાં ભારે પૂરના પગલે વિશ્વામિત્રીમાંથી મગરો આવવાની ઘટનાઓ ઘણી બની છે. હજી પણ શહેરમાં મગરો દેખા દેતા હોવાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે ગણેશ વિસર્જન વખતે કોઇ અઘટિત બનાવ ન બને અને મગર દ્વારા માનવો પર હુમલો કરવામાં ન આવે એ માટે કુત્રિમ તળાવ પર વન વિભાગની ટીમ તૈનાત કરવામાં આવશે. શહેરના નવલખી કુત્રિમ તળાવ ખાતે વન વિભાગની ટીમ વોચ રાખશે.
મહત્વનું છે કે, સમગ્ર એશિયામાં એક માત્ર વડોદરા શહેર અને જિલ્લામાં મગર અને માનવ વસ્તી નજીક - નજીક વસવાટ કરે છે. અને આવામાં ચોમાસાની ઋતુ અને વિશ્વામિત્રી નદી આવેલ પૂરના પગલે વિશ્વામિત્રી નદી તથા આસપાસના જળાશયોમાંથી મગરો રાજમાર્ગો તેમજ માનવ વસાહતોમાં અવારનવાર લટાર મારતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે.
તાજેતરમાં પણ નવલખી કુત્રિમ તળાવ નજીક એક મહાકાય મગર આવી ચઢતા આજે વિસર્જનના દિવસે આ કુત્રિમ તળાવ પર મગર કે કોઈ પણ અન્ય વન્યજીવ દ્વારા કોઈને પણ કોઈ જાનહાની ન થાય તે માટે આજે વન વિભાગની રેસ્ક્યુ ટીમને તહેનાત કરવામાં આવી છે. નાગરિકોને મગરોથી રક્ષણ આપવા માટે નવલખીના કુત્રિમ તળાવ ખાતે વન વિભાગના કર્મચારીઓ સહીત 10 વોલિયેન્ટર્સની ટીમ સ્ટેન્ડ બાય રહેશે. આ સાથે જ ટીમે તેની સાથે પાંજરા અને અન્ય સંસાધનો પણ તૈયાર રાખ્યા છે. વન વિભાગની ટિમ સાથે અન્ય એનજીઓના સ્વયંસેવકો પણ જોડાયા છે.
વડોદરામાં આજે ગણપતિ વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવમાં તંત્રની કેટલાય સમય અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં ગઈકાલે મોટા ગણપતિના વિસર્જન માટે કુલ 11 ક્રેન મંગાવવામાં આવી હતી. જેમાંથી 2 રિઝર્વ ક્રેન, 8 ક્રેન 12 ટનની અને એક ક્રેન 70 ટનની મગાવવામાં આવી છે. ગણેશોત્સવના સાતમા દિવસે 1500 જેટલી મૂર્તિનો વિસર્જન કરવામાં આવ્યું હતું. અને આજે 250 થી 300 મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. આ સાથે જ કુલ 1800 થી 2000 મૂર્તિઓનો વિસર્જન કરવામાં આવશે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
