<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

સુરત ગુજરાતનું ગ્રોથ એન્‍જિન : ભુપેન્‍દ્રભાઇ

મુખ્‍યમંત્રીના હસ્‍તે ઇકોનોમિક ડેવલોપમેન્‍ટ પ્‍લાનનું લોકાર્પણ

સુરત, તા.૧૯: વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત' નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્‍દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતળત્‍વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્‍વના શહેરો અને તેની નજીકના વિસ્‍તારોને ‘ગ્રોથ હબ્‍સ'તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે. જેમાં એક ‘ગ્રોથ હબ' તરીકે સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું છે.

જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતના આ ૬ જિલ્લાઓના બનેલા ‘સુરત ઈકોનોમિક રિજીયન'ના ઈકોનોમિક ડેવલપમેન્‍ટ પ્‍લાનનું આજેમુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે લોન્‍ચીંગ કરાયુ હતુ. આ તકે તેમણે કહ્યું કે, દેશનું ગ્રોથ એન્‍જિન ગુજરાત છે. જ્‍યારે ગુજરાતનું ગ્રોથ એન્‍જિન સુરત છે.

ડુમસ રોડની લી મેરેડીયન હોટેલ ખાતે લોન્‍ચિંગના મુખ્‍ય કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે કહ્યું કે, ગુજરાત હવે વિકાસનું મોડલ ગણાય છે. નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતને અલગ સ્‍તર પર લઈ ગયા હતા. ડુંગરા, રણ અને દરિયો હોવાથી વિકાસ ઓછો હતો. પરંતુ હવે સ્‍થિતિ બદલાઈ ગઈ છે. ગુજરાત આગામી ૨૫ વર્ષના રોડ મેપને લઈને ચાલી રહ્યું છે.

સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી ૫૦ વર્ષના વિઝન સાથેના આ ઈકોનોમિક ડેવલપમેન્‍ટ પ્‍લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્‍ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોનો આધાર લેવામાં આવ્‍યો છે. પ્‍લાનમાં ઈકોનોમિક, સ્‍કીલ ટ્રેનિંગ, ડેરી-ર્ફામિંગ, ઈન્‍ડસ્‍ટ્રીયલ, આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર-જિલ્લા, ટાઉનની વિશેષતા, ભૌગોલિક પરિસ્‍થિતિ, ભવિષ્‍યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્‍યા છે

(3:04 PM IST)