<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

યોગ્ય કામ નહીં કરો તો સજા ફટકારીશું :હાઈકોર્ટ

અકસ્માતના વળતરનો એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો :કેસની સુનાવણીમાં ટ્રાફિકની સમસ્યા, આરટીઓની કામગીરી, પોલીસની લાલિયાવાડી, રોડ ઓથોરિટીની બેદરકારી સહિતના તમામ મુદ્દાઓ પર હાઈકોર્ટે તમામને ઝાટકી નાંખ્યા

અમદાવાદ, તા.૧૯

કાલા કુત્તા-ધોળા કુત્તા આવું બધું પોલીસમાં ચાલે છે? પોલીસને કશું ખબર જ નથી? ડ્રાઇવ ફક્ત કોર્ટની આંખમાં ધૂળ નાખવા અને આંકડા બતાવવા માટે કરવામાં આવે છે. સવારે ૧૧ વાગ્યા બાદ હાઇવે ઉપર રિક્ષાઓ ૭ પેસેન્જર ભરીને નીકળે છે. હાઇકોર્ટના જજ નીકળે ત્યારે જ ટ્રાફિકને મેનેજ કરવામાં આવે છે. કોર્ટની કરવું હોય તે કરે તેવું ચલણ તમારું છે. લોકોને હેરાન કરવાથી કોઈ ફાયદો મળે છે? તમે તમારી ફરજ નિભાવીને કોઈ ઉપકાર કરતા નથી, જેથી શો-બાજી કરવાની પણ જરૃર નથી. એક્શન પ્લાનની તાતી જરૃર વર્તાય છે. રોજના કેટલા લોકો અકસ્માતમાં મરે છે! યોગ્ય કામ કરો નહીં તો તમારી સજાપાત્ર બેદરકારી ગણાશે. અકસ્માત પાછળ RTO અને પોલીસ જ જવાબદાર છે. રસ્તા ખરાબ હોય તો ઓથોરિટી જવાબદાર છે. પ્રાઇવેટ લક્ઝરી બસો જેમ ફાવે તેમ ફરે છે, તમે શું કરો છો? ગુજરાત હાઈકોર્ટે કહ્યું- પોલીસ વિશે તો કંઈ કહેવા જેવું જ નથી!

પ્રાઇવેટ વાહનો રસ્તામાં પેસેન્જર ભરતા હોય છે, તેની બાજુમાં ST ઉભી હોય છે અને તેની બાજુમાં ટ્રાવેલ્સવાળા ઉભા હોય છે. તો નાગરિકોએ જવાનો રસ્તો ક્યાં? વળી એક બાજુ લારીઓ ઉભી હોય છે. તમારી પાસે સત્તા છે, તો કામ કેમ નથી કરતા? અમારે તમને તમારું કામ સમજાવવાનું હોય  સુનાવણીમાં હાઇકોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે, એસ.જી.હાઇવે પર ટ્રાફિક નિયમોના પાલનમાં કોઈ પ્રોગ્રેસ થઈ નથી, બધું પહેલા જેવું જ છે. આજે પણ લક્ઝરી બસો રોડ ઉપર ઉભી રહે છે. પોલીસની સામે લોકો ગેરકાયદે વાહનોમાં ગેરકાયદે રીતે નિયમ કરતા વધારે પેસેન્જર ભરે છે. પગલાં ન ભરીને પોલીસ નિયમો તોડનારાઓને ઉત્સાહ વધારી રહી છે. આ ફક્ત અમદાવાદની વાત નથી, આખા રાજ્યમાં આવું છે. સરકારી વકીલ સાથે હાઈકોર્ટ જજ સિવિલ ડ્રેસમાં આવીને તેમને આ બધુ બતાવી શકે છે.

હાઇકોર્ટ જજે પોતાના એક નજીકના સગાનો દાખલો આપતા જણાવ્યું હતું કે, અરજી કર્યાના છ મહિના સુધી તેમના ટુ-વ્હીલરનું ટ્રાન્સફર થયું નહોતું. RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બરોબર કામ નથી કરતા લાયસન્સ નથી આવતા, પરમિટ નથી મળતી! શહેરમાં રિક્ષાઓ બેદરકારીપૂર્વક ફરે છે, શું તમે સમાચાર નથી જોતા? એક રિક્ષામાં ૧૦ પેસેન્જર બેસાડવામાં આવે છે. સ્કૂલ રિક્ષામાં દફ્તર બહાર લટકાડવામાં આવે છે. સ્કૂલ વાનની સ્થિતિ પણ સારી નથી.

ગુજરાત હાઈકોર્ટના જજે- ટ્રાફિકનું નિયમ કરતી પોલીસ અને આરટીઓને કહ્યુંકે, વાહન ચાલકો પાસે પરમિટ નથી, ફિટનેસ સર્ટિફિકેટ નથી, લાઇસન્સ નથી, જેને લઈને વીમા કંપનીઓ જવાબદારી લેતી નથી.

તમે ફક્ત તમારું કામ દેખાડવા આંકડાઓ આપ્યા કરો છો. ડ્રાઈવ એટલે શું? આ તમારું કામ તમારે ૩૬૫ દિવસ કરવાનું હોય. ખોટું કરનાર વ્યક્તિઓને કાયદાની બીક રહી નથી. શું લોકો ખોટું કરે તેમાં તમને લાભ મળે છે? સ્કૂલવર્ધીવાળા નિયમોની વિરુદ્ધ થોડો તમાશો કરે એટલે નિયમો નહીં પાળવાના?

(9:46 PM IST)