<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ખાદ્ય તેલના ભાવ ભડકે બળતા સરકાર એક્શનમાં : કંપનીઓને પૂછ્યું- ભાવ કેમ વધાર્યાં:માંગ્યો જવાબ

આગામી તહેવારોની સિઝનમાં છૂટક કિંમતોને જાળવી રાખવા સરકારે આદેશો આપ્યા તેમ છતાં કિમતોમાં કેમ વધારો કર્યો ?

અમદાવાદ :સરકારે ખાદ્ય તેલોની છૂટક કિંમતોમાં તાજેતરમાં જે ભાવ વધારો થયો છે તે અંગે કંપનીઓ પાસેથી જવાબ માંગ્યો છે. ખાદ્ય તેલની છૂટક કિંમતોમાં વધારો એવા સમયે થયો છે કે જ્યારે સરકારે કંપનીઓને કહ્યું હતું કે તેમની પાસે ઓછી વેરાથી આયાત કરવામાં આવેલ તેલનો પૂરતો જથ્થો છે અને આ સંજોગોમાં કંપનીઓને કિંમતો સ્થિર રાખવા માટે કહેવામાં આવ્યું હતું.

ગત 14મી સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકારે ઘરેલુ તેલીબિયા ખેડૂતોને સમર્થન આપવા માટે વિવિધ ખાદ્ય તેલોની કસ્ટમ ડ્યુટીમાં વધારો કર્યો હતો. ત્યારબાદ ખાદ્ય મંત્રાલયે છૂટક કિંમતોમાં વધારો ન થાય તે બાબત સુનિશ્ચિત કરવા ખાદ્ય તેલ ઉદ્યોગના યુનિટો સાથે બેઠક પણ યોજી હતી.

દરમિયાન ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે ઉદ્યોગોને સ્પષ્ટ કરવા તથા કારણો રજૂ કરવા કહેવામાં આવ્યું છે કે આગામી તહેવારોની સિઝનમાં છૂટક કિંમતોને જાળવી રાખવા સરકારે આદેશો આપ્યા તેમ છતાં કિમતોમાં કેમ વધારો કરવામાં આવી રહ્યો છે. આયાતી જથ્થો 45-50 દિવસ સુધી સરળતાથી ચાલી શકે તેમ છે અને તે માટે પ્રોસેસિંગ કંપનીઓને કિંમત વધારાથી બચવું જોઈએ.

ખાદ્યતેલોના ભાવમાં વધારો એવા સમયે થયો છે જ્યારે તહેવારોની સિઝન નજીક છે અને માંગ વધી રહી છે.સોયાબીન ઓઈલ, પામ ઓઈલ અને સનફ્લાવર ઓઈલ પર બેઝિક કસ્ટમ ડ્યુટી શૂન્યથી વધારીને 20 ટકા કરવામાં આવી છે. આ કારણે કાચા તેલ પર અસરકારક ડ્યૂટી 27.5 ટકા થઈ ગઈ છે.

આ સમયે રિફાઈન્ડ પામ ઓઈલ, રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ અને રિફાઈન્ડ સોયાબીન ઓઈલ પરની એડ વેલોરમ કસ્ટમ ડ્યુટી 12.5 ટકાથી વધારીને 32.5 ટકા કરવામાં આવી છે, જેનાથી રિફાઈન્ડ તેલ પર અસરકારક ડ્યૂટી 35.75 ટકા થઈ છે.

(9:50 PM IST)