<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

સુરતના ઉધના વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતઃ બાઈક પર જઈ રહેલા દંપતિ અને પુત્રીને ટ્રક ચાલકે અડફેટે લીધા

ઘટનામાં પતિ-પત્નીનું મોત, બાળકીનો ચમત્કારિક બચાવ

સુરત, તા.૨૨,

સુરતના ઉધના વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક પર જઈ રહેલા પતિ-પત્ની  અને તેમની પુત્રીને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. આ ઘટનામાં પતિ-પત્નીનું મોત નીપજ્યું છે, તો બીજી તરફ લોકોએ ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો છે. દંપતિના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ સુરતના ઉધના સ્થિત ગાયત્રી નગર સોસાયટી પાસે સચિન પટેલ પરિવાર સાથે રહેતા હતા, તેઓ કસ્ટમ વિભાગમાં ડ્રાઈવર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત રાતે તેઓ જમીને બાઈક પર પત્ની અને ૬ વર્ષની દીકરીને લઈને નજીકના વિસ્તારમાં ફરવા નીકળ્યા હતા. તેઓ ઉધના જીવનજ્યોત પાસે બાઈક પર પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન એક ટ્રક ચાલકે તેઓની બાઈકને અડફેટે લીધી હતી. આ ઘટનામાં ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ પત્ની સારિકાબેનનું મોત નીપજ્યું હતું, જયારે સચિનભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં સચિનભાઈની દીકરીનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. લોકોએ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી હતી અને ટ્રક ચાલકને પકડીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દંપતીના મોતના પગલે પરિવાર અને સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

(12:44 PM IST)