<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ - ગાંધીનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં "મનુષ્ય જન્મની દુર્લભતા..." વિષયક સત્સંગ સંવર્ધન શિબિર યોજાઈ...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, ગાંધીનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત "મનુષ્ય જન્મની દુર્લભતા" વિષયક સત્સંગ સંવર્ધન શિબિરનું આયોજન સેકટર - ૨ ખાતે કરવામાં આવ્યું હતું.

સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા સંત શિરોમણી શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, ગાંધીનગર ૩૯ મા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. સત્સંગ સંવર્ધન શિબિરમાં મનુષ્ય જન્મની દુર્લભતા તેમજ કારણ સત્સંગનો મહિમા જીવનમાં ઉપયોગી હોવાનું સમજાવ્યું હતું.

આ પાવનકારી અવસરે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્ય જન્મ ભગવાન ભજવા માટે છે. દરેક દેહધારી ત્રિવિધ તાપમાં રાત દિવસ તપે છે. એ  ત્રિવિધ તાપ ટાળવા માટે ભગવાનની કથાવાર્તા , ધૂન, ભજન તેમજ ભગવાનનું નામ સ્મરણ છે. મનુષ્ય જીવનમાં કથા વાર્તાનું અંગ હશે તો સાચી સમજણ કેળવાશે અને સાચી સમજણ કેળવાશે તો ભગવાનમાં સહેજે સહેજે લગની લાગશે અને મનુષ્ય જીવનમાં ભગવાનના બેઠા આનંદની પ્રાપ્તિ થશે. માટે મનુષ્યને ભગવાનના ભજનનો આનંદ લેવો. તેમજ મનુષ્યમાં સંસ્કારનું સિંચન હશે તો તે વ્યસનથી , ફેશનથી દૂર રહેશે તો તેનામાં સત્સંગની પ્રાપ્તિ થશે.

સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રી તેનું પઠન, તેમાં જણાવેલી આજ્ઞા પ્રમાણે વર્તન કરીશું તો જીવમાં પાત્રતા કેળવાશે. મનુષ્યે ૮૪ લાખ યોનિમાંથી મુકત થવા અને મનુષ્ય જીવન સાર્થક કરવા સત્સંગ, કથા વાર્તા, ધ્યાન, ધૂન , ભજન વગેરે કરવું હિતાવહ છે.

આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ધર્મતનયદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી પરમાનંદદાસજી સ્વામી, સંત શિરોમણી પ્રજ્ઞાતિતદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી શરણાગતવત્સલદાસજી સ્વામી વગેરે સંતવૃંદનો સમૂહ સત્સંગ સંવર્ધન શિબિરમાં ઉપસ્થિત રહ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના સભ્યો તેમજ હરિભક્તોના વિશાળ સમુદાયે લાભ લીધો હતો.

સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામી

 

(4:17 PM IST)