તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 22nd September 2024
કૃષિ પત્રકારોનું પ્રગતિ, ઉન્નતિ અને વિકાસમાં મોટું યોગદાન છેઃ આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન યોજાયું

ગાંધીનગર: કૃષિ પત્રકારોનું ખેડૂતોની જેમની પ્રગતિ, ઉન્નતિ અને વિકાસમાં મોટું યોગદાન છે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે અહીં જણાવ્યું હતું. રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયેલા પાંચમા “રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન-૨૦૨૪” પ્રસંગે તેઓ બોલી રહ્યા હતા. ગાંધીનગરમાં હેલિપેડ પ્રદર્શન હૉલમાં રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘ દ્વારા આયોજિત આ સંમેલનમાં કૃષિ ક્ષેત્રના પત્રકારોને રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય કક્ષાના કૃષિ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ સંમેલનને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આપણા દેશના ખેડૂતો સૌથી મોટા તપસ્વી છે. તેમની પ્રગતિ, ઉન્નતિ અને વિકાસ માટે કૃષિ પત્રકારોએ ખૂબ મોટું કાર્ય કર્યું છે. તેવી જ રીતે વધુ ખેત ઉત્પાદન માટે કૃષિ વૈજ્ઞાનિકોનો ફાળો પણ અમૂલ્ય છે.
ગ્લોબલ વૉર્મિંગ આખા વિશ્વ માટે ખૂબ મોટી ગંભીર સમસ્યા છે, તેમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે, ખેતીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને કારણે ગ્લોબલ વૉર્મિંગમાં વધારો થયો છે, એટલું જ નહી પરંતુ રાસાયણિક ખાતર- દવાના કારણે પ્રકૃતિનું સંતુલન જાળવતા જીવ જંતુ – બેક્ટેરીયા નાશ પામ્યા છે, જેના પરિણામે આજે ધરતી બંજર બની ગઈ છે. વળી, રાસાયણિક ખાતરથી ઉત્પાદિત ખેતપેદાશોના કારણે આજે માણસોમાં કેન્સર જેવી અનેક ગંભીર બીમારીઓ જોવા મળી રહી છે.
રાજ્યપાલે વધુમાં કહ્યું હતું કે, ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરોના વપરાશને કારણે જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ ઘટતાં ઓર્ગેનિક કાર્બન ઓછો થયો છે, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ વધે છે એટલું જ નહી, જમીનના ઓર્ગેનિક કાર્બનમાં પણ ઝડપથી વધારો થાય છે. હરિત ક્રાન્તિના સમયે સમગ્ર દેશની જમીન જંગલ જેવી ઉપજાઉ હતી. તે સમયે જમીનનો ઓર્ગેનિક કાર્બન ૨ થી ૨.૫ ટકા હતો, જે હવે ઘટીને ૦.૨ થી ૦.૪ ટકા થઈ ગયો છે. જેનો અર્થ થાય કે હવે દેશની જમીન બિન ઉપજાઉ બની ચૂકી છે.
રાજ્યપાલે ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતર વિશે જણાવ્યું કે, રાસાયણિક ખાતરોમાં રહેલો નાઇટ્રોજન હવાના ઓક્સિજન સાથે ભળી નાઈટ્રસ ઓક્સાઈડ બનાવે છે, જે કાર્બન ડાયોક્સાઇડથી ૩૧૨ ગણો વધુ નુકશાનકારક છે જે ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર છે. ગત વર્ષે દેશમાં કરોડો રૂપિયાના યુરીયાની આયાત કરવામાં આવી છે. આપણે કરોડો રૂપિયા આપીને વિદેશમાંથી ઝેર ખરીદીએ છીએ. તેની સામે જો પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો પ્રકૃતિની સાથે દેશના રૂપિયા પણ બચાવી શકીએ. યુરિયા ખાતરમાં ૪૦-૪૫ ટકા નમક હોય છે જે જમીનને કઠણ અને બિન ઉપજાઉ બનાવે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીના કારણે જમીનમાં અળસિયાની સંખ્યા વધે છે, જે નેચરલ વૉટર હાર્વેસ્ટિંગનું કામ કરે છે જેના કારણે જમીનમાં પાણીનું સ્તર પણ ઊંચું આવે છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
