તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
રાજ્યના જિલ્લાઓમાં ગામડાઓમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓ સુવિધા પથ અંતર્ગત કોન્ક્રીટ માર્ગો બનશે : રાજ્ય સરકારનો ગ્રામીણ વિસ્તારોને સુવિધાયુક્ત, ટકાઉ અને બારમાસી માર્ગો પુરા પાડવાનો સરાહનીય નિર્ણય
ગ્રામીણ વિસ્તારોના ૧૦૨૦ કિ.મી. લંબાઈના ૭૮૭ માર્ગોને કોન્ક્રીટ રોડ બનાવવા ૬૬૮ કરોડ રૂપિયાની મંજૂરી

ગાંધીનગર : ગુજરાત સરકારે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધા પથ અંતર્ગત ગામતળની લંબાઈમાં ૫.૫૦ મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ ૬૬૮.૩૦ કરોડ રૂપિયાની ફાળવણીની મંજુરી આપી છે.
એટલું જ નહી, જ્યાં કોન્ક્રીટ રોડ બનાવવો શક્ય નહી હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં કુલ ૧૦૨૦.૧૫ કિ.મી.ની લંબાઈના ૭૮૭ માર્ગો સુવિધાપથ અન્વયે કોન્ક્રીટ રોડ બનશે.
રાજ્ય સરકાર લોકોનું ઈઝ ઓફ લીવિંગ વધારવા સાથે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી સુવિધા સભર રોડ નેટવર્ક આપવા પ્રતિબધ્ધ છે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ રાજ્યના ગામડાઓને સુવિધાપથની સગવડ આપવા કરેલી આ ૬૬૮ કરોડ રૂપિયાની ફાળવણીને પરિણામે ગ્રામ્ય વસ્તીને સારી સપાટી વાળા અને વધુ ટકાઉ તથા વરસાદી સિઝનમાં પણ કોઈ અડચણ ન પડે તેવા બારમાસી કોન્ક્રીટ રોડ મળશે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
