<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કાલે ચૂંટણી : જબરી દોડધામ

કુલ ૯ બેઠકો પૈકી સંચાલક મંડળ વિભાગ અને સરકારી શિક્ષક વિભાગમાં કાલે મતદાન

વિસાવદર : ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રદેશ મંત્રી અશોક રામની યાદીમાં જણાવ્યા અનુસાર શિક્ષણ બોર્ડ-ગાંધીનગરની સભ્યપદની ચૂંટણીમાં 9 બેઠકમાંથી 6 બેઠક બિનહરીફ થયેલ હોય, જ્યારે વાલી મંડળના તમામ ઉમેદવારી પત્રો રદ થતાં, સંચાલક મંડળ અને સરકારી શિક્ષક એમ બે બેઠકની ચૂંટણી આવતીકાલ તારીખ 24-09-2024ને મંગળવારના રોજ યોજાનાર છે, અગાઉના વર્ષોમાં 26 બેઠકની ચૂંટણી દર 3 વર્ષે યોજવામાં આવતી હતી, ગત ચૂંટણી સપ્ટેમ્બર - 2021માં યોજવામાં આવી તે પૂર્વે ધારાસભામાં ખરડો લાવી સરકારે બેઠકો ઘટાડી 9 બેઠક કરેલ હોય, જેનો મત વિસ્તાર સમગ્ર ગુજરાત રાજ્ય છે, આ ચૂંટણીમાં જોઈએ તો શાળા સંચાલકમાં પાંચ ટર્મથી ચૂંટાતા ડૉ. પ્રિયવદન કોરાટ રાજ્યના 17 જિલ્લાના ઘટક સંઘના ટેકાથી સ્વતંત્ર રીતે ચૂંટણી લડે છે, જ્યારે જે. વી. પટેલ અમદાવાદ અને સ્વનિર્ભરના ઉમેદવાર સહિત 3 ઉમેદવારો છે, જેમાં મુખ્યત્વે ડૉ. પ્રિયવદન કોરાટ (સૌરાષ્ટ્ર) અને જે. વી. પટેલ (અમદાવાદ) વચ્ચે તીવ્ર સ્પર્ધા છે, જ્યારે સરકારી શિક્ષકમાં દિવ્યરાજસિંહ જાડેજા (કચ્છ), ચેતનાબેન ભગોરા (અમદાવાદ) અને વિજય ખટાણા (ભાવનગર) સહિત ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે, સંચાલક મંડળમાં રાજ્યના 6310 જેટલા મતદારો જ્યારે સરકારી શિક્ષકમાં 3200 જેટલા મતદારો રાજ્યના જુદાજુદા 58 મતદાન મથકો ઉપર આવતીકાલ તારીખ 24ને મંગળવારના રોજ મતદાન કરશે તેમ અશોક રામ, મંત્રી-રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ ( 94275 02444)ની યાદીમાં જણાવાયુ છે.
શાળા-સંચાલક વિભાગમાં ત્રિપાંખીયો જંગ છે. જેમાં જેતપુરના પ્રિયવદન કોરાટ, મેહુલભાઈ પરડવા-રાજકોટ તથા અમદાવાદના જે. વી. પટેલ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. કોરાટ અને પરડવા રાજકોટ-સૌરાષ્ટ્રના છે. જયારે જે. વી. પટેલ મધ્ય અને ઉત્તર ગજરાતના છે.

(9:04 PM IST)