<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર ગટર ગંગા વહેતી થતા રોગચાળાની દહેશત

અવાર નવાર મુખ્ય માર્ગ પર ઉભરાતી ગટરથી આસપાસના દુકાનદારો પણ હેરાન: જોકે કેટલીક જગ્યા પર પ્લાસ્ટિક કોથળીઓ, પાણીના ખાલી બોટલો જેવી વસ્તુઓ નાંખતા ગટર ચોકઅપ થવાની સંભાવના

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા નગરપાલિકા એડવાન્સ વેરો ઉઘરાવવામાં માહિર છે પરંતુ વેરો ભરતી પ્રજાને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ જણાય છે,સવારથી રાજપીપળામાં મુખ્ય માર્ગ ઉપર ગટરનું ગંદુ પાણી ફરી વળતા રોગચાળાની દહેશત લાગી રહી છે
 સવારથી રાજપીપળા નાગરિક બેંક સામે ગટર ઉભરાતા ગંદુ પાણી રોડ પર વહેતું થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જોકે છાસવારે આ તરફ ગટર ઉભરાઈ છે અને ગંદુ પાણી આ રીતેજ માર્ગ ઉપર વહે છે જેના કારણે આસપાસ ના દુકાનદારો પણ મુશ્કેલી માં મુકાઈ છે કેમ કે દુકાનો માં આવતા ગ્રાહકો ગટર ના ગંદા પાણી માં પગ મૂકી આવતા દુકાન પણ ગંદી થાય છે સાથે સાથે દુર્ગંધ મારતા આ ગંદા પાણી ના કારણે આખો દિવસ દુકાન કે લારી પર રહેતા વેપારીઓ પણ અકળાઈ ઊઠે છે.પાલિકા તંત્ર આ તકલીફ નો કોઈ કાયમી ઉકેલ લાવે તેવી વેપારીઓ ની માંગ છે.

- જોકે મળતી માહિતી મુજબ જ્યારે જ્યારે ગટર ઉભરાય છે ત્યારે સફાઈ કરતી વેળા અંદર થી પ્લાસ્ટિક ની કોથળીઓ અને પાણીના ખાલી બોટલો ફસાયેલા મળે છે માટે લોકો એ પણ આ માટે જાગૃત થઈ પાલિકા ની આવતી કચરા ગાડી માં જ આવી વસ્તુઓ અને અન્ય કચરો નાંખવો જોઈએ

(9:23 PM IST)