News of Monday, 23rd September 2024
નર્મદા જિલ્લાની પોલીસ દારૂ બંધી મુદ્દે કાર્યવાહી કરશે તેવી પોલીસ વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી છે : ચૈતર વસાવા
આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાની જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ કમિટીની બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાની જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ કમિટીની બેઠક યોજાઇ. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત બીજા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, કલેકટર અને અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની તંદુરસ્ત ચર્ચા થઈ. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ કમિટીની બેઠક યોજાઇ હતી. આ મિટિંગમાં જિલ્લાના અનેક પ્રજાલક્ષી પ્રશ્નોની તંદુરસ્ત ચર્ચા થઈ. જેમ કે નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટની અને કેવાયસીની ઘણી સમસ્યા ઊભી થઈ છે તો આનું તાત્કાલિક નિરાકરણ આવે તેની વાત કરવામાં આવી. નર્મદા જિલ્લામાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવે સહિત જેટલા પણ રોડ રસ્તા ટુટી ગયા છે તેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેની વાત થઈ.
ઘણા ગામોમાં શાળાઓમાં શિક્ષકો નથી તો ત્યાં શિક્ષકો મૂકવામાં આવે તેની માંગ થઈ. અન્ન અને નાગરિક પુરવઠાનું અનાજ સમયાંતરે સપ્લાય કરવામાં આવે અને લોકો સુધી યોગ્ય ક્વોલિટીનો અનાજ પહોંચે તેની વાત કરવામાં આવી. આ સિવાય વન વિભાગ દ્વારા બહારના વિસ્તારમાંથી લાવીને દીપડા છોડવામાં આવે છે તેને પણ બંધ કરવાની વાત કરવામાં આવી. આ વિસ્તારની ડેડીયાપાડાની કે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તમામ મહેકમ હાજર હોય અને જે પણ ખાલી જગ્યા છે તેને ભરવામાં આવે તેની વાત થઈ. અમે જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે જે તમામ બાબતોની આજે ચર્ચા થઈ તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે.
આધાર કાર્ડની સમસ્યાનો નિવારણ કરવા માટે સાતથી આઠ નવા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવેલ છે, જે સારી બાબત છે. દારૂબંધી બાબતે અને નર્મદા જિલ્લાના આરટીઓ દ્વારા જે લોકોને દંડ ફટ કરવામાં આવે છે તેના વિશે પણ ચર્ચા થઈ અને રજૂઆત કરવામાં આવી કે ડેડીયાપાડામાં આ વિભાગનું પણ એક મહેકમ ઊભું કરવામાં આવે. નર્મદા જિલ્લાની પોલીસ દારૂબંધી મુદ્દે આગળ કાર્યવાહી કરશે તે બાબતે પોલીસ વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી છે. ડેડીયાપાડામાં ટીડીઓ દ્વારા મનરેગાના કર્મચારીઓને સદસ્યતા અભિયાનમાં જોડવાની વાત કરવામાં આવી હતી તે મુદ્દે પણ અમે ચર્ચા કરી અને આ મુદ્દા પર તપાસ ચાલુ છે અને ટૂંક જ સમયમાં આ ઘટનાનો રિપોર્ટ રજુ કરવાની કલેકટર દ્વારા બાહેંધરી આપવામાં આવી છે
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
